Parshottam Rupalaએ પાણીની જગ્યાએ આગમાં ઘી હોમ્યું? BJPનું લક્ષ્ય કેમ પડશે પાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-01 18:46:28

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં કદાચ પહેલી વખત આટલો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. ભાજપમાં આંતરિક વિરોધ ક્યારેય બહાર નથી આવતો પરંતુ પહેલી વખત ભાજપના જ કાર્યકરો ભાજપ સામે બાંયો ચઢાવીને બેઠા હોય તેમ લાગી રહ્યું છે.....ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારોની જાહેરાત થતાં જ 26માંથી ઓછામાં ઓછી નવ બેઠકો પર નાના-મોટાં કકળાટ શરૂ થઇ ગયા છે.... રૂપાલાના નિવેદનથી થયેલો ભડકો હજુ ઠરતો નથી અને તેની ય પહેલાં વડોદરા અને સાબરકાંઠામાં જાહેર થયેલા ઉમેદવારો બદલાયા છતાં હજુ સ્થિતિ ઠેરની ઠેર છે. ભાજપ પોતાને પાર્ટી વિથ ડિફરન્સ એટલે કે અદકેરો પક્ષ ગણાવે છે, પણ હાલ તેની સ્થિતિ પાર્ટી વિથ સો મેની ડિફરન્સીસ એટલે કે વિસંગતતાઓ અને અસંતોષથી ભરેલો પક્ષ થઇ ગયો છે. આ સ્થિતિની પાછળનું મૂળ કારણ છે પાર્ટીના નેતાઓનો ઓવર કોન્ફિડન્સ અને જૂના કાર્યકર્તાઓ તરફે સેવાતું દુર્લક્ષ.! 

સમાજના કાર્યક્રમ દરમિયાન પરષોત્તમ રૂપાલાએ કહી હતી આ વાત!

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ક્ષત્રિય સમાજ બાદ હવે દલિત સમાજ તેમનાથી ખફા છે. રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરવા વંથલીના સામાજિક કાર્યકર અજય કુમાર નાનજીભાઈ વાણવીએ વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઇને ઉદ્દેશી લેખિત ફરિયાદ અરજી આપી છે. અરજીમાં જણાવ્યું હતું કે, 29 માર્ચના રોજ ગોંડલ ખાતે યોજાયેલ ક્ષત્રિય સમાજની માફી માગવાના કાર્યક્રમમાં રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરષોત્તમભાઈ રૂપાલાએ તેમના વક્તવ્ય દરમિયાન ‘જે તે કાર્યક્રમ ( કે જે સમાજમાં કાર્યક્રમ હતો) તેના કોઈ કામનો ન હતો અમે તો આમ જ ત્યાં પહોંચી ગયા હતા’ તેવું બોલ્યા હતા. આમ તેઓએ દલિતોનું અપમાન કર્યું છે. રૂપાલાએ કહ્યું હતું કે, ‘જાહેર જીવનમાં ક્યારેય તેમની જીભ લપસી નથી’ આ પણ નર્યું જુઠાણું છે. દલિતોના કાર્યક્રમને ફાલતુ કહીને દલિતોનું અપમાન કર્યું હોય જેથી તેના વિરુદ્ધ એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવે એવી રજૂઆત કરી અને ફરિયાદ અરજીની નકલ પોલીસ અધિક્ષકને પણ મોકલી હોવાનું જણાવ્યું હતું.


જો આવી સ્થિતિ સતત રહેશે તો ભાજપના ઉમેદવારોને જીતવા સંઘર્ષ કરવો પડશે!

આઠ બેઠકો પર બળવા જેવી સ્થિતિ હોવા છતાં શીર્ષસ્થ નેતૃત્વએ તેને લઇને કોઇ એક્શન પ્લાન ન બનાવ્યો હોય તેવી સ્થિતિ છે. છેલ્લા પંદર દિવસથી આ વિવાદો ચાલુ થયા હોવા છતાં નારાજગી કે વિદ્રોહને શાંત પાડવા માટે ગુજરાતના સિનિયર નેતાઓએ સીધી રીતે કોઇ પ્રયત્ન કર્યો હોય, બેઠક કરી હોય તેવું બન્યું નથી. છેક હવે છેલ્લા બે દિવસથી બીજી હરોળના અમુક નેતાઓને રસ્તો કાઢવા માટે મોકલાઇ રહ્યા છે, પણ તેનાં પરિણામો જોઇએ તેવાં મળ્યાં નથી. આ સ્થિતિ સતત રહેશે તો ભાજપના ઉમેદવારોને જીતવા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે. 


પાંચ લાખથી સરસાઈથી જીતવાનું છે ભાજપનું સ્વપ્ન!

છેલ્લી બે ટર્મથી 26 બેઠકો જીતી રહેલો ભાજપ આ વખતે ફરીથી આ જ ઉપલબ્ધિની હેટ્રિક કરવા સાથે દરેક બેઠક પર પાંચ લાખથી વધુ સરસાઇનું સ્વપ્ન સેવે છે, તેમાં ક્યાંક વિઘ્ન આવી શકે. આ બધો કકળાટ હાલ મોટા ભાગના કિસ્સામાં ભાજપના લોકો વચ્ચેની હૂંસાતૂંસીને કારણે જ છે. મતદાતાઓ હજુ સુધી આ મામલે કોઇ પ્રતિક્રિયા દર્શાવી રહ્યા નથી. તેઓનું મૌન ભાજપ માટે અકળ સાબિત થઇ શકે.


કેટલી લીડ સાથે ભાજપ જીતી રાજકોટ લોકસભા બેઠક?

કદાચ બેઠકો જીતાય તો પણ સરસાઇના લક્ષ્યાંક સામે પ્રશ્નાર્થ છે.....? આપણે વિવાદિત બેઠકો વિશે વાત કરીએ અને માર્જિન વિશે વાત કરીએ તો રાજકોટ બેઠક પર વિવાદ ચાલી રહ્યો છે....  જ્યાં વર્ષ 2019માં ભાજપ 3.68 લાખના માર્જિન સાથે તો વર્ષ 2014માં 2.46 લાખ મતના માર્જિનથી જીતી હતી... એટલે 1989થી અને પછી 2009થી 2014 બાદ આ બેઠક ભાજપનો ગઢ મનાઈ રહી છે... પણ રુપાલાએ કરેલી ટિપ્પણીના કારણે જે વિવાદ ઉભો થયો છે એ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો... ઉપરથી ક્ષત્રિયો કહી રહ્યાં છે કે અમે કોઈને પણ મત આપીશું પણ ભાજપને મત નહીં આપીએ.... 


શોભનાબેન બારૈયાને ટિકીટ આપતા વિવાદ છેડાયો

હવે વાત કરીએ સાબરકાંઠામાં જ્યાં ભીખાજી ઠાકોર પછી ભાજપે શોભનાબેન બારૈયાને ટિકિટ આપી પણ છતાંય વિરોધ યથાવત છે.... ઉમેદવાર બદલશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.... વાત કરીએ પાછલી ચૂંટણીની તો વર્ષ 2019માં 2.68 લાખ અને વર્ષ 2014માં 85 હજાર મતની લીડથી અહીં ભાજપે જીત મેળવી હતી.... 2009થી સતત અહીં ભાજપનો ગઢ છે.... હવે આ ગઢ સચવાશે કે કેમ એ સવાલ છે? અને સચવાય તો પણ મતોનું માર્જિન કેટલું રહેશે? સૌથી મહત્વપૂર્ણ સવાલ કે પાંચ લાખની લીડથી જીતનું લક્ષ્ય પૂર્ણ થશે... એવી સ્થિતિમાં કે જ્યાં આપણે કમલમમાં મારામારીના દ્રશ્યો જોઈ રહ્યાં હોય ત્યાં....આ રીતે જ વલસાડ, વડોદરા, બનાસકાંઠા પોરબંદર આણંદ અમરેલી અને સુરેન્દ્રનગર તમામ જગ્યાઓ પર વિરોધ છે.... 


2019માં 26 બેઠકો પર ભાજપે જીત કરી છે હાંસલ 

ઓવર ઓલ જો વાત કરવામાં આવે તો...... 2019ની લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે 62.21 ટકાના જંગી વોટ શૅર સાથે તમામ 26 બેઠક જીતી હતી. કૉંગ્રેસને એ ચૂંટણીમાં 32.11 ટકા મત મળ્યા હતા...2019ની લોકસભા ચૂંટણીનાં પરિણામો પર નજર કરીએ તો કુલ ચાર બેઠકો પર ભાજપની સરસાઈ પાંચ લાખ કરતાં વધુ હતી. આ ચાર બેઠકો છે ગાંધીનગર, વડોદરા, સુરત અને નવસારી.... આ ચાર બેઠકોને બાદ કરતાં મોટા ભાગની બેઠકો પર ભાજપની સરસાઈ બે લાખ મત કરતાં વધુ હતી. માત્ર પાટણ, આણંદ, દાહોદ અને જૂનાગઢમાં જ તેની જીતની સરસાઈ બે લાખ કરતાં ઓછી હતી.


અપક્ષ, કોંગ્રેસ અને આપના નેતાઓને ભાજપ લઈ રહી છે પોતાના તરફ

2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ખૂબ મતો તોડ્યા હતા, પરંતુ તે બેઠકોમાં રૂપાંતરિત થયા ન હતા. જેના કારણે સૌરાષ્ટ્ર- કચ્છમાં કૉંગ્રેસને મોટું નુકસાન થયું હતું. આ સિવાય છેલ્લા કેટલાક સમયથી મધ્ય, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વધુ મતદાન થઈ રહ્યું છે. એટલે જે બૂથમાં ભાજપની લીડ ઓછી છે એ તમામ વિસ્તારોમાંથી ભાજપે આપ, કૉંગ્રેસ અને અપક્ષમાંથી જીતેલા નેતાઓ અને બૂથની કામગીરી સંભાળતા કાર્યકર્તાઓને પક્ષમાં સામેલ કરવાનું શરૂ કર્યુ છે.... તેનાથી એવું શક્ય છે કે કેટલીક બેઠકો પર ભાજપને પાંચ લાખથી વધુ મતોની સરસાઈ મળશે, પરંતુ તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુ મતોની સરસાઈ મળે તેવું હાલના સંજોગોમાં દેખાતું નથી.... 


ક્ષત્રિય સમાજની પરષોત્તમ રૂપાલાએ માફી માગી પરંતુ... 

અને હાલ ભાજપ ભલે એવું કહે કે ઓલ ઈઝ વેલ, પરંતુ ભાજપમાં ક્યાંય ઓલ ઈઝ વેલ નથી. રૂપાલાએ બે હાથ જોડી માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ રાજકોટમાં ઉમેદવાર બદલવા મક્કમ બન્યું છે. સાબરકાંઠામાં પણ આ જ સ્થિતિ છે. શોભનાબેન બારેયા સામેનો વિરોધ ભાજપ હેન્ડલ કરી શકતું નથી. ભાજપ હાઈકમાન્ડ પણ સ્થાનિક નેતાઓનું પાણી માપી રહી છે. પાટીલના 5 લાખની લીડનો પડઘો હવે ગુજરાતમાં સંભળાઈ રહ્યો છે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારને બદલે ભાજપ આંતરિક વિખવાદો ઉકેલવામાં વ્યસ્ત બન્યું છે..... 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?