સંસદનું ચોમાસુ સત્ર જુલાઈના ત્રીજા સપ્તાહમાં શરૂ થઈ શકે છે. સંસદીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) બેઠક આગામી કેટલાક દિવસોમાં યોજાશે, જેમાં આ અંગે નિર્ણય લેવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ CCPAની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ચોમાસુ સત્રની તારીખ અંગે ચર્ચા થશે.જો કે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ચોમાસુ સત્રનો પ્રારંભ 17 જુલાઈથી થઈ શકે છે અને તે 10 ઓગસ્ટ સુધી ચાલુ રહી શકે છે.
વટહુકમ મામલે થશે હોબાળો
સંસદના ચોમાસુ સત્રમાં આ વખતે પણ જોરદાર હંગામો થાય તેવી શક્યતા છે. દિલ્હીમાં કોની સત્તા ચાલશે તે મામલે કેજરીવાલ સરકાર સુપ્રીમ કોર્ટમાં કેસ જીતી જતા કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટના આદેશને ઉલટાવવા માટે આ વટહુકમ લાવી છે. આ વટહુકમ પર ચોમાસુ સત્રમાં ચર્ચા થવાની છે. વટહુકમમાં કેન્દ્ર સરકારે નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટીની સ્થાપના કરવાની વાત કરી છે. મોદી સરકાર દ્વારા સંસદમાં લાવવામાં આવેલા વટહુકમને વિરોધ પક્ષોના જોરદાર વિરોધનો સામનો કરવો પડશે. આ મુદ્દે તમામ વિપક્ષે કેજરીવાલને સમર્થન આપ્યું છે.
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે થશે હંગામો
મોદી સરકારે સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) બિલ પણ ચોમાસુ સત્રમાં લાવવાની યોજના બનાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સમાન નાગરિક સંહિતા અંગે આપવામાં આવેલા નિવેદન પર સંસદના ચોમાસુ સત્રમાં હોબાળો થઈ શકે છે. ગઈ કાલે મંગળવારે ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતી વખતે PM મોદીએ કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડના નામે કેટલાક લોકો મુસ્લિમ ભાઈ-બહેનોને ઉશ્કેરી રહ્યા છે.
નવા સંસદ ભવનમાં પ્રથમ સત્ર
ચોમાસુ સત્રની એક વિશેષતા એ પણ હશે કે નવા સંસદભવનમાં આયોજિત થનારું આ પ્રથમ સત્ર હશે. નવું સંસદ ભવન તેની યજમાની માટે તૈયાર છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ 28 મેના રોજ સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઇમારત સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી છે. નવા સંસદ ભવનમાં તમામ મંત્રીઓને અલગ-અલગ ઓફિસ મળશે, જ્યારે જૂના બિલ્ડિંગમાં માત્ર 30 કેબિનેટ મંત્રીઓ અને કેટલાક રાજ્ય મંત્રીઓને ઓફિસ મળી છે. આ સાથે નવા બિલ્ડીંગમાં તમામ રાજકીય પક્ષોને ઓફિસ પણ આપવામાં આવશે.