મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) અને ચૂંટણી કમિશનરોની નિમણૂક અને સેવાની શરતોનું નિયમન કરવા માટેનું બિલ પણ ગુરુવારે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. અગાઉ આ બિલ રાજ્યસભામાં 12 ડિસેમ્બરે પસાર થયું હતું. હવે રાષ્ટ્રપતિની સહી બાદ તે કાયદો બની જશે. નવા કાયદાના અમલ પછી, CJI ચૂંટણી કમિશનરોની પસંદગી સમિતિનો ભાગ રહેશે નહીં. આ કાયદો ચૂંટણી પંચ (ચૂંટણી કમિશનરની સેવાની શરતો અને કાર્ય સંચાલન) અધિનિયમ, 1991નું સ્થાન લેશે. અગાઉ, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ચૂંટણી કમિશનરોની પસંદગી વડા પ્રધાન, વિપક્ષના નેતા અને ભારતના મુખ્ય ન્યાયાધીશની બનેલી સમિતિ દ્વારા કરવામાં આવશે. નવા કાયદા અનુસાર, ચૂંટણી પંચની નિમણૂક પસંદગી સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. આ સમિતિમાં હવે વડાપ્રધાન, વિપક્ષના નેતા અને વડાપ્રધાન દ્વારા નામાંકિત કેબિનેટ મંત્રીનો સમાવેશ થશે.
સરકાર નવો કાયદો કેમ લાવી?
કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે ગુરુવારે મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળની મુદત) બિલ, 2023ને ચર્ચા અને પસાર કરવા માટે ગૃહમાં રજૂ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મેઘવાલે સુપ્રીમ કોર્ટના નિર્ણયને ટાંક્યો જેમાં કહેવામાં આવ્યું હતું કે બંધારણના ઘડવૈયાઓએ ચૂંટણી કમિશનરની નિમણૂક અંગે કાયદો બનાવવાની વાત કરી હતી. કાયદા મંત્રીએ લોકસભામાં કહ્યું કે 1991માં એક કાયદો બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોની નિમણૂકનો ઉલ્લેખ નથી. મેઘવાલના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી સંસદ આ અંગે કાયદો નહીં બનાવે ત્યાં સુધી તેના નિર્ણય મુજબ નિમણૂકની વ્યવસ્થા ચાલુ રહેશે. તેમણે કહ્યું કે સરકાર આ સંદર્ભમાં આ કાયદો બનાવવા જઈ રહી છે. તેમણે કહ્યું કે રાજ્યસભાએ આ બિલ પાસ કરી દીધું છે.
હવે નિમણૂક કેવી રીતે થશે?
મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરની નિમણૂક પસંદગી સમિતિની ભલામણ પર રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. નવા કાયદા અનુસાર, સરકારી સુધારા હેઠળ, 'સર્ચ કમિટી'નું નેતૃત્વ હવે કેબિનેટ સચિવને બદલે કાયદા પ્રધાન કરશે, જેમાં બે સચિવ સભ્યો હશે. સરકારી સુધારા હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરોનો પગાર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશના પગાર જેટલો હશે. બિલમાં એક નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે જે હેઠળ સીઈસી અને ચૂંટણી કમિશનરો ફરજ બજાવતી વખતે કોઈપણ આદેશ પસાર કરવા પર કોર્ટમાં કોઈપણ કાર્યવાહીથી સુરક્ષિત રહેશે. હવે મુખ્ય ચૂંટણી કમિશનર અને ચૂંટણી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધીનો રહેશે.
BREAKING | Parliament Passes Bill On Election Commissioners Appointment; CJI Dropped From Selection Panel.
Totally unconstitutional & against the Constitution bench jt of the SC. Will be challenged https://t.co/WmanNCyWQg
— Prashant Bhushan (@pbhushan1) December 21, 2023
શું કહે છે વિપક્ષ?
BREAKING | Parliament Passes Bill On Election Commissioners Appointment; CJI Dropped From Selection Panel.
Totally unconstitutional & against the Constitution bench jt of the SC. Will be challenged https://t.co/WmanNCyWQg
નવા બિલને લઈને વિપક્ષ સતત સરકારની ટીકા કરી રહ્યો છે. વિપક્ષનું કહેવું છે કે નવા કાયદાથી ચૂંટણી પંચ સરકારની કઠપૂતળી બની જશે. વિપક્ષે આ બિલને બંધારણના મૂળભૂત માળખાની વિરુદ્ધ ગણાવ્યું હતું. આમ આદમી પાર્ટીએ કહ્યું કે બંધારણનું મૂળ માળખું મુક્ત ચૂંટણી અને લોકશાહી છે પરંતુ જ્યારે પંચ પક્ષપાતી હોય તો નિષ્પક્ષ ચૂંટણી શક્ય નથી. વિરોધ પક્ષોનું કહેવું છે કે બિલની જોગવાઈઓ અનુસાર કમિશનરોની નિમણૂકમાં અંતિમ નિર્ણય સરકારનો રહેશે. સરકાર પોતાની પસંદગીના કમિશનરની નિમણૂક કરી શકે છે. સૂચિત સમિતિમાં સરકારના બે પ્રતિનિધિઓ હશે. આવી સ્થિતિમાં સરકાર જે ઈચ્છે તે નક્કી કરી શકે છે.