વાઘ બકરી ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પરાગ દેસાઈનું રવિવારે અમદાવાદની ઝાયડ્સ હોસ્પિટલમાં અકાળે બ્રેઈન હેમરેજથી અવસાન થયું છે. 49 વર્ષના પરાગ દેસાઈને ગયા અઠવાડિયે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરાગ દેસાઈ વાઘ બકરી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર રસેસ દેસાઈના પુત્ર છે. પરાગ દેસાઈને તેમના નિવાસસ્થાન નજીક અચાનક થયેલી દુર્ઘટના બાદ તેમને માથામાં ગંભીર ઈજા થઈ હોવાથી ઝાયડસ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. રવિવારે મોડી રાત્રે તેમણે સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓથી જીવ ગુમાવ્યો છે. પરાગ દેસાઈના અવસાનથી તેમના પરિવાર અને ઉદ્યોગ જગતમાં શોક વ્યાપી ગયો છે. થલતેજના સ્મશાન ગૃહ ખાતે પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરાગ દેસાઈની અંતિમવિધિ કરવામાં આવી હતી. તેમની અંતિમવિધિ દરમિયાન ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને સમાજના વરિષ્ઠ આગેવાનો પણ થલતેજ સ્મશાન ગૃહ ખાતે હાજર રહ્યા હતા.
પડી જતા થયું બ્રેઈન હેમરેજ
ગત 15 ઓક્ટોબરના રોજ પરાગ દેસાઈ પોતાના ઘર નજીક ઈસ્કોન-આંબલી રોડ પર મોર્નિંગ વૉક માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની પાછળ રખડતા કૂતરા પડ્યા હતા. જેથી ડૉગ એટેકથી બચવાના ચક્કરમાં તેઓ લપસી પડ્યા હતા અને તેમને ગંભીર ઈજા પહોંચી હતી. કૂતરાના હુમલાને કારણે પડી જતાં પરાગને માથામાં ગંભીર ઈજા થઈ હતી. ઘરની બહાર એક સિક્યોરિટી ગાર્ડે તેમના પરિવારના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ તેમને શેલ્બી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. શેલ્બી હોસ્પિટલમાં એક દિવસના નિરીક્ષણ પછી, તેમને સર્જરી માટે ઝાયડસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, રવિવારે સારવાર દરમિયાન બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થયું હતું. એક રિપોર્ટ અનુસાર, માથામાં થયેલી ઈજા તેના માટે જીવલેણ સાબિત થઈ હતી. ઈજાની સારવાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ થયો ન હતો.
પરાગ દેસાઈ ચોથી પેઢીના સભ્ય
પરાગ દેસાઈ અને તેમના પિતરાઈ ભાઈ પારસ 1990 ના દાયકામાં ફેમિલી બિઝનેસમાં જોડાયા હતા. પરાગ દેસાઈ અમેરિકાની લોંગ આઇલેન્ડ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી લીધી હતી, પરાગ દેસાઈ પરિવારના ચોથી પેઢીના સભ્ય હતા. તેમની પાસે 30 વર્ષથી વધુનો બિઝનેસ અનુભવ હતો. તેઓ 1892 માં નારણદાસ દેસાઈ દ્વારા સ્થાપવામાં આવેલી કંપનીના વ્યવસાયનું સંચાલન કરતા હતા. તેઓ વાઘ બકરી ટી ગ્રુપના બોર્ડમાં બે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાંના એક હતા. તે કંપનીના વેચાણ, માર્કેટિંગ અને નિકાસની આગેવાની કરતા હતા અને તે એક નિષ્ણાત ચા ટેસ્ટનર અને વેલ્યૂઅર પણ હતા. વાઘ-બકરી ટી બ્રાન્ડ દેશ અને વિદેશમાં પ્રખ્યાત છે. કંપનીનું ટર્નઓવર રૂપિયા 1,500 કરોડથી વધુ છે.