પેપર લીક આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં અનેક એવી પરીક્ષાઓના નામ સામે આવી જશે. પેપર લીક થવાને કારણે પરીક્ષાને મોકૂફ રાખવી પડે છે અને પછી આગળની પ્રક્રિયા પણ અટકી જતી હોય છે. ગુજરાતમાં અનેક વખત પેપર લીકની ઘટના બની છે. ત્યારે પેપર લીકની ઘટના ઉત્તર પ્રદેશમાં બની હતી અને તે બાદ પરીક્ષાને કેન્સલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. UP Police Constable Examને રદ્દ કરવામાં આવી છે. પેપર લીકનો છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આવનાર 6 મહિના સુધીમાં આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરી પરીક્ષા કેન્સલ કરવાની જાહેરાત
ઉત્તરપ્રદેશમાં થોડા દિવસો પહેલા UP Police Constable Exam આયોજીત કરવામાં આવી હતી.18 ફેબ્રુઆરીએ આ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. એક્ઝામની વચ્ચે એવી માહિતી મળી હતી કે એક પરીક્ષાર્થી પાસે જવાબ મળી આવ્યા હતા જે બાદ પેપર લીક થયા હોવાની આશંકા ગઈ. આની જાણ થતા ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આને જોઈ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પરીક્ષાને કેન્સલ કરવામાં આવે. પરીક્ષાને રદ્દ કરવામાં આવી છે.
પરીક્ષાર્થીઓએ કર્યું હતું વિરોધ પ્રદર્શન
વિરોધ કરવા માટે મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ પહોંચ્યા હતા. વિરોધ પ્રદર્શન કરવા પહોંચેલા ઉમેદવારોએ નારા પણ લગાવ્યા હતા. રસ્તા પર ઉતરેલા ઉમેદવારોએ પરીક્ષા રદ્દ કરવાની માગ કરી હતી અને પરીક્ષા ફરી લેવામાં આવે તેવી માગ પણ કરી હતી. પોલીસ અને પરીક્ષાર્થીઓ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. ત્યારે હવે પરીક્ષાને કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.