અમરેલી જિલ્લામાં વન્ય પ્રાણીઓના હુમલા ચિંતાનો વિષય બન્યા છે, અહીં એક જ અઠવાડિયામાં વન્ય પ્રાણીઓના હુમલાની ત્રીજી ઘટનાથી હાહાકાર મચી ગયો છે. અમરેલીના કાતર ગામમાં મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં માલધારી પરિવારના 2 વર્ષના બાળકને દીપડો ઉઠાવી ગયો હતો અને તેના પર હુમલો કર્યો હતો. જો કે બાદમાં ઘાયલ માસુમ બાળકનું સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.
ઘટના કઈ રીતે બની?
અમરેલીના કાતર ગામમાં મોડી રાત્રે એક રહેણાંક વિસ્તારમાં દીપડાએ અચાનક બાળક પર હુમલો કરી દીધો છે. અહીં માલધારી પરિવારના 2 વર્ષના બાળકને દીપડો હુમલા દરમિયાન ગળું પકડી ઉઠાવી ગયો હતો. જોકે, દીપડાના હુમલા બાદ તરત જ પરિવારના લોકોએ હિંમત બતાવી અને તેની પાછળ જતા બાળકને મુકીને દીપડો ભાગી છુટ્યો હતો. જો કે બે વર્ષીય બાળકની સ્થિતિ વધુ ગંભીર થઇ ગઇ હતી. દીપડાના હુમલામાં બાળક ગંભીર રીતે ઘાયલ થયો હોવાથી તેને રાજુલાની સિવિલ હૉસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. બાળકને આ પછી રાજુલાથી મહુવા હૉસ્પીટલમાં વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યું હતું, બે વર્ષીય માનવ નામના બાળકનું મોત થઇ ગયુ હતુ.
વન વિભાગ સામે સ્થાનિકોમાં રોષ
અમરેલીના કાતર ગામમાં બે વર્ષના બાળક પર દીપડાના હુમલાની ઘટના બાદ રાજુલા વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે હવે 5 પાંજરા મુકવામાં આવ્યા છે. જોકે અહીં લોકો માટે ચિંતાની વાત એ છે કે ચાર દિવસ પહેલા પણ સિંહ અને દીપડાના હુમલાથી બે બાળકોના મોત થયા હતા. ફરી પાછા દીપડાના હુમલાથી એક બાળકનું મોત નિપજ્યું છે ત્યારે લોકોમાં વન વિભાગ સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.