બનાસકાંઠામાં પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. 500 કરોડની સહાય ન મળવાને કારણે તેઓ રોષે ભરાયા છે. જેણે કારણે સવારે તે લોકોએ ગાયને રસ્તા પર છોડી દીધી હતી. આ પ્રકારના વિરોધ બાદ પણ સરકાર દ્વારા કોઈ પગલા ન લેવાતા ટાયર સળગાવી રસ્તો બ્લોક કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.
ગૌશાળા સંચાલકોની કરાઈ અટકાયત
સવારે વિરોધ બતાવવા ગાયોને છોડી દેવામાં આવી હતી. સવારે અડધો કલાક સુધી રસ્તો બંધ રહેતા દસ કિલોમીટર લાંબી વાહનોની લાઈન થઈ ગઈ હતી. ડીસા પાંજરાપોળના પશુઓ છોડી મુકાતા, ગાયને સરકારી કચેરી પહેલા અટકાવવા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અનેક ગૌશાળા સંચાલકોની અટકાયત પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. અટકાયત થયા બાદ પણ આંદોલન ચાલુ રાખવામાં આવ્યું હતું.
ટાયર સળગાવી રસ્તો કર્યો બ્લોક
અનેક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ ઉકેલ ન આવતા અંતે તેઓ આંદોલનના માર્ગે ચાલવા મજબૂર બન્યા છે. પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો ખૂબ ગુસ્સે ભરાયા છે. ગૌભક્તોએ ડીસાના એલિવેટેડ બ્રીજ પર ટાયર સળગાવી રસ્તો બંધ કરી દીધો હતો.