મોરબીની બ્રિજ દુર્ઘટના બાદ સરકાર સતર્ક બની છે. સરકારના માથે ચૂંટણી હોવાથી હાલ કોઈ પણ પ્રકારનું જોખમ ખેડવા તૈયાર નથી. જો કે આ મોરબી કરૂણાંતિકાની અસર સુપ્રસિદ્ધ પાલ્લા વૌંઠાના લોકમેળામાં પણ જોવા મળી છે. સ્થાનિક વહીવટી તંત્રએ મેળામાં કોઈ પણ પ્રકારની હોનારત ન સર્જાય તે માટે મેળાની ઓળખસમાં ચગડોળો બંધ રાખવાનો આદેશ કર્યો છે.
મેળામાં ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ
ગુજરાતમાં તરણેતરના મેળા બાદ પાલ્લા વૌંઠાનો આ મેળો રાજ્યનો બીજો સૌથી મોટો મેળો છે. સાત નદીના સંગમ તીર્થ સ્થાને વૌઠા – પાલ્લાનો મેળો ભરાય છે. પાલ્લા – વૌઠાના ભાતીગળ લોકમેળા આ મેળો માણવા માટે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનો સહિત રાજયભરમાંથી લાખો લોકો ઉમટી પડે છે. જો કે આ વખતે ચગડોળો બંધ હોવાથી લોકો નિરાશ છે.
પશુઓના વેપાર માટે સુવિખ્યાત છે આ મેળો
વૌઠા –પાલ્લામાં ભરતાં મેળાની વિશેષતા એ છે કે, આ મેળામાં પશુધનનો વેપાર થાય છે. જેમાં ખાસ કરીને ઊંટ, ગર્દભ, ઘોડાનો વેપાર થાય છે. ગધેડાનો વેપાર કરવા માટે રાજયભરમાંથી વેપારીઓ આવે છે. ગત વર્ષના અંદાજ મુજબ 20 હજાર ઉપરાંત ગધેડાનો વેપાર થાય છે.