આપણે ત્યાં એવું કહેવાય છે કુદરત આગળ બધા લાચાર. કુદરત જ્યારે લેવા બેસે ત્યારે કંઈ પણ છોડતી નથી. કુદરતનો સૌથી વધારે માર સહન કરવાનો વારો જો કોઈનો આવતો હોય તો તે ખેડૂત છે. ખેતી કુદરતના ચક્ર પર આધારિત હોય છે. પરંતુ અનેક વખત કમોસમી વરસાદને કારણે, તો કોઈ વખત વરસાદ ન પડવાને કારણે પાકને નુકસાન પહોંચતું હોય છે. ત્યારે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતા અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. બાગાયતી પાકોને નુકસાન થયું છે. સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે. ત્યારે સરકાર દ્વારા આપવામાં આવેલી રાહત પર પાલ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે.
પાલ આંબલિયાએ આપી પ્રતિક્રિયા
પ્રતિક્રિયા આપતા પાલ આંબલિયાએ કહ્યું કે સરકાર પહેલા ઘાવ આપે છે ને પછી મલમ લગાવે છે. જેમ વિપક્ષી પાર્ટીના નેતાઓએ આક્ષેપ કર્યા કે આ પુર કુદરતી નથી માનવ સર્જિત છે. તેવી જ પ્રતિક્રિયા પાલ આંબલિયાએ આપી છે. તેમણે કહ્યું કે આ નુકશાન કુદરતી નહિ પણ માનવ સર્જિત નુકશાન છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યારે માનવ સર્જિત નુકશાન હોય તો એ અંશતઃ નહિ પરંતુ પૂરતું વળતર મળવું જોઈએ. આ નુકશાની નર્મદા નિગમના અધિકારીઓ અને રાજ્ય સરકારના મંત્રી મંડળ પાસેથી વ્યકિતગત વસુલ કરવું જોઈએ.
17 સપ્ટેમ્બરે નર્મદા ડેમમાં કરાયા હતા પાણીના વધામણા
એવા પણ આક્ષેપ વિપક્ષી નેતાઓ દ્વારા લગાવવામાં આવતા હતા પીએમ મોદીના જન્મદિવસ પર નીરના વધામણા કરવા માટે પાણીને રોકી દેવામાં આવ્યું હતું અને એક સાથે આટલા લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. ત્યારે આ વાતનો ઉલ્લેખ પણ પાલ આંબલિયાએ કર્યો હતો અને કહ્યું હતું કે જે લોકો નરેન્દ્રભાઈને ખુશ કરવા માંગતા હતા એ લોકોએ જ આ નુકશાની ભરપાઈ કરવાની જવાબદારી લેવી જોઈએ. મહત્વનું છે કે આ પુરને કારણે લાખોનું નુકસાન વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે અને સામાન્ય લોકોને આવ્યો છે.