પાકિસ્તાનમાં મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે, પાકિસ્તાની મીડિયા અનુસાર રાવલપિંડીથી ઉપડતી હજારા એક્સપ્રેસના 10 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ દુર્ઘટના પગલે અત્યાર સુધીમાં 22 લોકો મોત થયા છે, જ્યારે લગભગ 80થી વધુ લોકો ઘાયલ થયા છે. આ ભયાનક દુર્ઘટના સહારા રેલવે સ્ટેશન નજીક સર્જાઈ હતી. આ સ્ટેશન શહજાદપુર અને નવાબશાહ વચ્ચે આવેલું છે.
હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર
આ ભયાનક ટ્રેન અકસ્માતથી ઘાયલ થયેલા લોકોને નવાબશાહની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ટ્રેન પાટા પરથી ઉતરવાનું કારણ જાણી શકાયું નથી. વધુ ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવા માટે શહેરની હોસ્પિટલોમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે.
પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતમાં વધારો
અકસ્માતનો ભોગ બનેલી હજારા એક્સપ્રેસમાં એ જ એન્જીન ફીટ કરવામાં આવ્યું હતું, જે આ વર્ષે માર્ચમાં હવેલીયાંથી કરાચી જતી ટ્રેનમાં ફીટ કરવામાં આવ્યું હતું. રેલ્વે અધિકારીઓની બેદરકારીના કારણે આ ટ્રેન પણ ભયાનક અકસ્માતનો ભોગ બનવાથી બચી ગઈ હતી. ભૂતકાળમાં કરાચીથી સિયાલકોટ જઈ રહેલી અલ્લામા ઈકબાલ એક્સપ્રેસના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. જોકે આ અકસ્માતમાં કોઈને ઈજા થઈ નથી. પાકિસ્તાનમાં ટ્રેન અકસ્માતો સામાન્ય બની રહ્યા છે. છેલ્લા એક દાયકામાં પાકિસ્તાનમાં ઘણી મોટી રેલ દુર્ઘટનાઓ થઈ છે અને છેલ્લા વર્ષોમાં તેમાં વધારો થયો છે.