પાકિસ્તાન સરકારની IMF સાથે બેલઆઉટ પેકેજને લઈને ચાલી રહેલી વાતચીત પણ નિષ્ફળ ગઈ છે. આ સાથે જ પાકિસ્તાન સરકારની આશા પર પાણી ફરી વળ્યું છે, IMFએ પાકિસ્તાનને મોટો મોટો ઝટકો આપ્યો છે. IMFનું એક પ્રતિનિધિમંડળ જે પાકિસ્તાન આવ્યું હતું તે હવે વોશિંગ્ટન પરત ફર્યું છે. IMFના પ્રતિનિધિમંડળ અને પાકિસ્તાની અધિકારીઓએ વચ્ચે 1.1 બિલિયન ડોલરની લોનની શરતોને લઈ 10 દિવસ સુધી વાતચીત કરી હતી. જો કે બંને પક્ષો વચ્ચે કોઈ સમાધાન ન થતા અંતે IMFનું પ્રતિનિધી મંડળ કરાર પર હસ્તાક્ષર કર્યા વિના પરત ફર્યું છે.
પાકિસ્તાન માટે કેટલું મહત્વનું IMFનું પેકેજ?
પાકિસ્તાનને નાદારીથી બચાવવા માટે IMFનું બેલઆઉટ પેકેજ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ અબજ ડોલરથી ઓછો રહ્યો છે. ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુના રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ પાકિસ્તાન (SBP)નો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 2.917 અબજ ડોલર જ બચ્યો છે. આર્થિક પતન ટાળવા માટે પાકિસ્તાને આ સમયે નાણાકીય મદદ અને IMF તરફથી રાહત પેકેજની સખત જરૂર છે. જોકે, પાકિસ્તાન હજુ પણ IMF પાસેથી લોન મેળવવાની આશા રાખી રહ્યું છે. પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરી રહેલા પાકિસ્તાનના નાણા મંત્રી ઈશાક ડારે કહ્યું કે બંને પક્ષો સોમવારથી વર્ચ્યુઅલ મોડમાં ફરી વાતચીત શરૂ કરશે.