પાકિસ્તાનમાં લઘુમતી હિંદુઓ વિરુદ્ધ હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. હવે કરાચીમાં હિંદુઓની આસ્થાનું પ્રતિક 150 વર્ષ જૂનું મરી માતાનું મંદિર રાતના અંધારામાં સંપૂર્ણપણે તોડી પાડવામાં આવ્યું હતું. સૌથી મહત્વની બાબત તો એ હતી કે આ દરમિયાન પોલીસે મંદિર તોડનારાઓને સુરક્ષા પૂરી પાડી હતી. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના પૂજારીઓ સવારે પહોંચ્યા ત્યારે તેમને આ 150 વર્ષ જૂનું પવિત્ર સ્થળ તોડી પડાયેલું જોવા મળ્યું હતું. કરાચીમાં આ મરી માતા મંદિર, મુખી ચોહિતરામ રોડ પર, સોલ્જર બજાર પોલીસ સ્ટેશનની ખૂબ નજીક આવેલું છે.
પોલીસની હાજરીમાં મંદિર તોડવામાં આવ્યું
કરાચીમાં શુક્રવારે મોડી રાત્રે આ વિસ્તારમાં વીજળી ન હતી ત્યારે મંદિરને ધરાશાઈ કરવામાં આવ્યું હતું. ઘણા ખોદકામ માટેના અને ડિમોલિશન કામ માટેના મશીનો સાથે લોકો આ વિસ્તારમાં પહોંચ્યા હતા. તેઓએ બહારની દિવાલો અને મુખ્ય દરવાજો અકબંધ રાખીને અંદરથી સમગ્ર માળખું તોડી નાખ્યું. સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું કે બુલડોઝર અને અન્ય સાધનો ચલાવતા લોકોને 'કવર' આપવા માટે પોલીસ વાહન પણ ઘટનાસ્થળે હાજર હતા. આ મંદિર લગભગ 400 થી 500 સ્ક્વેર યાર્ડમાં ફેલાયેલું છે. આ મંદિર પર અતિક્રમણ કરનારાઓ પહેલાથી જ નજર રાખી રહ્યા હતા. તેમણે આ મંદિર પર કબજો કરવાનો અનેકવાર પ્રયાસ પણ કર્યો હતો.