પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. તેના કારણે ખાદ્યચીજોનો ભાવ આસમાને પહોંચ્યો છે. દેશમાં પેટ્રોલિયમ પેદાશોના ભાવ સતત વધતા લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. પાકિસ્તાનમાં અનવારૂલ હક કાકરના નેતૃત્વવાળી વચગાળાની સરકારે ફરી એક વખત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો કર્યો છે. પહેલાથી વીજળી દરના વધારાથી ત્રસ્ત લોકો પણ આ વધુ એક મોંઘવારીનો બોંબ ઝીંકવામાં આવ્યો છે. પાકિસ્તાનની વચગાળાની સરકારે પેટ્રોલની કિંમતમાં 14.91 રૂપિયા પ્રતિ લિટર અને હાઈ સ્પિડ ડીઝલની કિંમતમાં 18.44 રૂપિયા પ્રતિ લિટર જેટલો વધારો કર્યો છે. ઉલ્લેખનિય છે કે પાકિસ્તાનમાં માત્ર 15 દિવસમાં બીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.
પેટ્રોલ અને ડીઝલના ભાવ કેટલા વધ્યા?
પાકિસ્તાનના નાણા મંત્રાયલે અડધી રાત્ર બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સત્તાવાર પોસ્ટ કરી હતી. જેમાં પેટ્રોલિયમ મંત્રાલયે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભાવ વધારાની જાણકારી આપવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 305.36 રૂપિયા પ્રતિ લિટર અને એચએસડી 311.84 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. કેરોસીન કે હળવા ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
પાકિસ્તાન સરકારે શું કહ્યું?
પાકિસ્તાનની વચગાળાની સરકારે પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા અંગે પોતાનો વચાવ કરતા તર્ક આપ્યો હતો કે કિંમતોમાં આ ભાવ વધારો ટેક્સ રેટ અને આયાતી ભાવ પર આધારીત છે. ખાસ કરીને પાકિસ્તાનની કરન્સીમાં ઘટાડા અને ઓઈલના ભાવમાં આંતરરાષ્ટ્રિય સ્તરે થયેલા વધારાના કારણે આ ભાવ વધારો કરવો પડ્યો છે.