પાકિસ્તાનમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર થયેલા ફાયરિંગ બાદ દેશમાં અંધાધુંધીનો માહોલ છે. પાકિસ્તાનમાં ચાલી રહેલા CPEC પ્રોજેક્ટ માટે કામ કરી રહેલા ચીનના નાગરિકો પર પણ ખતરો તોળાઈ રહ્યો છે. હવે ચીનના નાગરિકો અને મજુરો માટે બુલેટ પ્રુફ વાહનોનો ઉપયોગ કરવામાં આવશે. CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC)માં આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ચીનની સરકાર નાગરિકોની સુરક્ષાને લઈ ચિંતિત
પાકિસ્તાનમાં વધી રહેલા આતંકી હુમલાઓ તથા રાજકીય હત્યાઓથી ચીનની ક્સી જિનપિંગની સરકાર ખુબ ચિંતિત છે. પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે આ સપ્તાહની શરૂઆતમાં બે દિવસની બીજિંગની યાત્રા કરી હતી. તે દરમિયાન CPECની 11 મી સંયુક્ત સહયોગ સમિતિ (JCC) મિનિટ્સ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં ચીનના નાગરિકોની સુરક્ષા વધુ સુદ્ર્ઢ બનાવવા તથા તેમની પર થયેલા હુમલામાં સામેલ આરોપીઓને શોધી કાઢવા માટે તપાસ અભિયાન ઝડપથી ચલાવવા પર ભાર મુકવામાં આવ્યો હતો. ચીને પણ આ હેતુ માટે પોતાના સંપુર્ણ સમર્થનનું આશ્વાસન આપ્યું છે.