પાકિસ્તાને સીઝફાયરનું ઉલ્લંઘન કરતા જમ્મુ કાશ્મીર બોર્ડર પર ફાયરિંગ કર્યું છે, જમ્મુ કાશ્મીરના અરનિયા સેક્ટરમાં આજે મંગળવારે પાક રેંજર્સ તરફથી સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. પાકિસ્તાની રેન્જર્સે અરણિયા સેક્ટરમાં બીએસએફની પેટ્રોલિંગ પાર્ટી પર ફાયરિંગ કર્યું, જો કે કોઈ પણ ઘાયલ થયું ન હતું, ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોએ પાકિસ્તાન તરફથી થયેલા ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો હતો.
સીમા સુરક્ષા દળ જમ્મુના પીઆરઓએ જણાવ્યું છે કે, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરમાં આંતરરાષ્ટ્રીય સીમા પર સંઘર્ષ વિરામ કરારનું ઉલ્લંઘન કર્યું, સીમા સુરક્ષા દળના જવાનો પર ગોળીબાર કર્યો હતો. આજે સવારે એલર્ટ બીએસએફ જમ્મુના જવાનોએ અરણિયા સેક્ટરમાં બીએસએફના દળ પર પાકિસ્તાની રેંજરો તરફથી કારણ વગરનું ફાયરિંગનો જવાબ આપ્યો હતો. જો કે, આ ફાયરિંગની ઘટનામાં બીએસએફના જવાનોને કોઈ નુકસાન કે ઘાયલ થવાના સમાચાર નથી.
બંને દેશ વચ્ચે ગત વર્ષે ફેબ્રુઆરીમાં થયો હતો કરાર
બીએસએફે નિવેદન જારી કરીને કહ્યું કે, 25 ફેબ્રુઆરી 2021ના રોજ બંને દેશ વચ્ચે સીઝફાયરને લઈને કરાર થયા હતા. પણ આજે પાકિસ્તાન તરફથી અરણિયા સેક્ટરમાં સીઝફાયર તોડવામાં આવ્યું, જેનો બીએસએફે જડબાતોડ જવાબ આપ્યો છે.