તમિલનાડુમાં સાપ પકડનારા બે મિત્રોને પદ્મશ્રી મળ્યો છે. તમિલનાડુમાં ઈરૂલા જનજાતિના બે મદારીઓ માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને પદ્મશ્રીની જાહેરાત થઈ છે. પ્રજાસત્તાક દિનના પ્રસંગે દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ બંને પરંપરાગત રીતે સાપ, નાગ અને અજગર સહિતના ખતરનાક જીવોને પકડવામાં મહારત ધરાવે છે. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ પણ મેળવ્યું નથી. રસપ્રદ વાત એ છે કે જ્યારે તેઓ સાપ પકડવામાં વ્યસ્ત હતા ત્યારે જ ફોનની રિંગ વાગી અને જાણવા મળ્યું કે તેમને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે. તેમણે સાંભળ્યું એક મિનિટ વાત કરી અને ફરી પાછા તેમના કામમાં લાગી ગયા.
અજગરને દેશી ટેકનીકથી પકડે છે
માસી સદાઈયાન અને વૈદિવેલ ગોપાલને આ વારસો તેમના પૂર્વજો પાસેથી મળ્યો છે. તેઓ સાપને પકડવા માટે જૂની અને દેશી તકનીકોનો ઉપયોગ કરે છે.
ઇરુલાના આદિવાસીઓ સાપ પકડવા માટે પ્રખ્યાત
ઈરુલા લોકો તમિલનાડુમાં દેનાકાનીકોટ્ટાઈ નજીક જંગલવાળા વિસ્તારોમાં રહે છે પરંતુ તેઓ કન્નડ ભાષા પણ સારી રીતે બોલી જાણે છે. તેઓ ઉંદરો અને સાપ પકડવામાં નિષ્ણાત છે.
2017માં 27 અજગર પકડ્યા હતા
2017માં અજગરથી પરેશાન અમેરિકાએ બંનેને અમેરિકન જંગલોમાં હાજર બર્મન મૂળના અજગરને પકડવા માટે બોલાવ્યા હતા. અમેરિકામાં માસી અને વૈદિવેલ સાથે મળીને ત્યારે 27 અજગર પકડ્યા હતા. આમાંથી ઘણી દુર્લભ પ્રજાતિઓ હતી. વૈદિવેલ અને માસીએ માત્ર 8 દિવસમાં 13 અજગર પકડ્યા. બંનેએ 16 ફૂટ લાંબી માદા અજગરને પકડીને ફ્લોરિડા ફિશ એન્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન કમિશનના અધિકારીઓને ચોંકાવી દીધા હતા.અમેરિકાએ પણ તેમને 44 લાખ રૂપિયા આપ્યા હતા.