ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે જેને કારણે અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી રહ્યા છે. AIMIMના ઓવૈસીએ પણ ગુજરાતમાં આવી પ્રચાર કરવાની શરૂઆત કરી છે. ત્યારે તેમના પ્રવાસ દરમિયાન તેમની પર પથ્થરમારો થયો હોવાની વાત પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ જ્યારે તેઓ વંદે ભારત ટ્રેનમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન તેમની પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારો થયો હોવાને કારણે ટ્રેનનો કાચ પણ તૂટી ગયો હતો.
વંદે ભારત ટ્રેનમાં મુસાફરી દરમિયાન કરાયો પથ્થરમારો
ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દરેક પાર્ટી પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. અનેક પાર્ટીના નેતાઓ ગુજરાત આવી પોતાની પાર્ટીનો પ્રચાર કરે છે. ત્યારે પ્રચાર માટે અમદાવાદથી સુરત જઈ રહેલા AIMIMના ઓવૈસી પર પથ્થરમારો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તેવું પાર્ટીના નેતાનું કહેવું છે. સુરતના લિંબાયત ખાતે તેઓ જનસભા સંબોધવાના હતા.
ભાજપ પર કર્યા શાબ્દિક પ્રહાર
સભાસ્થળ પર પહોંચવા જ્યારે પાર્ટીની ટીમ ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી તે દરમિયાન કોઈકે તેમની પર હુમલો કર્યો હતો. પરંતુ કોણે તેમની પર હુમલો કર્યો તે જાણી શકાયું નથી. પથ્થર વાગવાને કારણે ટ્રેનની બારીનો કાચ પણ તૂટી ગયો હતો. સદનસીબે કોઈ પણ હાની વગર તેઓ સભાસ્થળે પહોંચી ગયા હતા. પોતાના સંબોધનમાં તેમણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. પોતાના સંબોધન દરમિયાન ભાજપ દ્વારા શરૂ કરાયેલ કેમ્પેઈન પર પણ તેમણે કટાક્ષ કર્યા હતા.