શક્તિપીઠ અંબાજીમાં મળતો મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે તેવી વાતો વહેતી થઈ હતી. મોહનથાળની બદલીમાં કોઈ અન્ય પ્રસાદ આપવામાં આવશે તેવી વાતો વહેતી થતા માઈ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. આ અંગે કોઈ સત્તાવાર જાણકારી મંદિર દ્વારા આપવામાં આવી નથી. પરંતુ મળતી માહિતી અનુસાર નવા પ્રસાદ બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો નથી. અને જે પ્રસાદનો સ્ટોક છે તે માત્ર એક દિવસ ચાલે તેટલો જ છે. શુક્રવારે પણ મંદિરના દર્શન કરવા જતા માઈ ભક્તોને પ્રસાદ મળશે કે નહીં તે બાબતે અસમંજસ છે.
નવો પ્રસાદ બનાવવા માટે નથી અપાયો ઓર્ડર
ઘણા વર્ષોથી શક્તિપીઠ અંબાજી ખાતે પ્રસાદના રૂપમાં મોહનથાળનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રસાદ અંબાજીની ઓળખ બની ગયું છે તેવું કહીએ તો પણ અતિશ્યોક્તિ ન ગણાય. ત્યારે પ્રસાદી રૂપે મળતા મોહનથાળને લઈ સમાચાર વહેતા થયા હતા કે મોહનથાળ પ્રસાદ બંધ થઈ જશે. આ સમાચાર મળતા માઈભક્તોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર ઓછી માત્રામાં પ્રસાદના પેકેટ બચ્યા છે. જે શુક્રવારના દિવસે અમુક કલાક ચાલે એટલા જ છે. મળતી માહિતી અનુસાર પ્રસાદ બનાવતી એજન્સીને નવો ઓર્ડર આપવામાં આવ્યો નથી.
માઈભક્તોમાં જોવા મળી નારાજગી
મોહનથાળનો પ્રસાદ બંધ થવાનો છે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. ત્રણ દિવસથી મોહનથાળનો પ્રસાદ બનાવવા પર વહીવટી તંત્ર દ્વારા મોખિક રોક લગાવવામાં આવી છે. જેને લઈ માઈભક્તોમાં તેમજ સ્થાનિક લોકોમાં મોહનથાળનો પ્રસાદ બંધ થવાની શક્યતાઓ પ્રબળ થઈ ગઈ છે. ત્યારે લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ખરેખર હવેથી અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ નહીં મળે?