ગઈકાલે વડોદરામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ. બેદરકારીને કારણે અનેક માસુમોના જીવ ગયા છે. પિકનીક માટે ગયેલું બાળક પાછું જ ન આવે તો તે માતા-પિતાની પિડા શું હશે તે આપણે નહીં જાણી શકીએ. આપણને કદાચ આ વાત સામાન્ય લાગી શકે કે આવી ઘટનાઓ તો બનતી રહે છે, કરોડોની વસ્તીમાં કોઈ મરે તો આપણને વધારે દુખ નથી થતું. આપણી સંવદેનશીલતા મરી પરવારી છે. પરંતુ જે માતા પિતાએ પોતાના વ્હાલ સોયાને ગુમાવ્યા છે તે જ આ પીડાની અનુભુતી કરી શકશે. બોટ પલટી જવાને કારણે 11 જેટલા માસુમો તેમજ શિક્ષકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
10 દિવસની અંદર તપાસ અંગેનો રિપોર્ટ આપવા કરાયો આદેશ!
ઘટનાની જાણ થતાં જ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી, પીએમઓ ઓફિસ, સહિતના નેતાઓ દ્વારા આ ઘટના અંગે દુખ વ્યક્ત કરવામાં આવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી તેમજ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચી ગયા હતા. દર વખતની જેમ આ ઘટના અંગે પણ તપાસ કરવામાં આવશે. વડોદરા જિલ્લા મેજીસ્ટ્રેટને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે. 10 દિવસની અંદર રાજ્ય સરકારને રિપોર્ટ સોંપવાનો આદેશ અપાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. એવી પણ માહિતી સામે આવી છે કે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સહાય આપવાથી થોડી પાછા આવશે મૃતકો?
આ ઘટના બાદ પીએમઓ દ્વારા મૃતકો તેમજ ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી હતી. 2 લાખ વળતરની જાહેરાત મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરાંત ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. તે ઉપરાંત રાજ્ય સરકારે પણ મૃતકોના પરિવારને 4 લાખ અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વડોદરા પહોંચ્યા હતા. હોસ્પિટલની મુલાકાત લીધી હતી, સંવેદના વ્યક્ત કરી, સહાય આપવાની જાહેરાત કરી પરંતુ શું સહાય આપવાથી, સંવેદના પાઠવાથી પરિવારને પોતાનું બાળક મળી જશે?
જો આપણે ઈતિહાસમાંથી નહીં શીખીએ તો
તક્ષશિલા કાંડ હોય, કાંકરિયામાં તૂટી પડેલી રાઈડની દુર્ઘટના હોય કે પછી મોરબીમાં બનેલી કરૂણાંતિકા હોય તેમાં માત્ર આંકડાઓ બદલાયા છે પરંતુ તે બાદની પરિસ્થિતિ નથી સુધરી! માનવમાં રહેલી સંવેદનશીલતા પણ મરી પરવારી હોય તેવું લાગી રહ્યું છે. આપણે ઈતિહાસમાંથી નથી શીખતા તેને કારણે જ આવી દુર્ઘટનાઓ વર્તમાનમાં પણ જોવી પડે છે. મહત્વનું છે કે હવે પણ જો આપણે આવી દુર્ઘટનાઓમાંથી નહીં શીખીએ તો ભવિષ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રહેશે!