દેશભરના સરકારી કર્મચારીઓ જુની પેન્શન સિસ્ટમની માગ કરી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં તો કર્મચારીઓએ સરકાર વિરોધી દેખાવો પણ કર્યા હતા. જો કે કેન્દ્ર સરકાર ટસની મસ થતી નથી, તેમ છતાં દેશના પાંચ રાજ્યોએ જુની પેન્શન સ્કિમ ફરી લાગુ કરવાની માગ કરી છે. આ રાજ્યોમાં રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ, અને હિમાચલ પ્રદેશનો સમાવેશ થાય છે.
5 રાજ્યોએ PFRDAને કરી જાણ
આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકારને પણ પોતાના નિર્ણયની જાણ કરી છે. નાણા રાજ્ય મંત્રી ભાગવત કરાડે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે આ પાંચ રાજ્યોએ કેન્દ્ર સરકાર તથા પેન્શન નિયામક (PFRDA)ને પોતાના રાજ્યના કર્મચારીઓ માટે જુની પેન્શન સ્કિમ (OPS)ફરીથી શરૂ કરવા અંતે જણાવ્યું છે. કરાડે તે પણ જણાવ્યું કે PFRDA કાયદા મુજબ એવી કોઈ જોગવાઈ નથી, જે હેઠળ ગ્રાહકોની જમા રકમ એટલે કે NPSમાં સરકાર અને કર્મચારીઓનું યોગદાન, રાજ્ય સરકારને પાછી આપી શકાય છે.