દેશના વિવિધ રાજ્યોમાં ઓલ્ડ પેન્શન સ્કીમ (OPS)ની માંગણી બુલંદ બની છે. રાજસ્થાન, ગુજરાત, પંજાબ, હિમાચાલ પ્રદેશ અને ઝારખંડમાં સરકારી કર્મચારીઓ ઓલ્ડ પેન્શન સ્કીમને ફરીથી લાગુ કરવાની માગ કરી રહ્યા છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કર્મચારીઓના મત મેળવવા માટે કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં જાહેરાત કરી છે. જો કે આ કર્મચારીઓની માગને લઈ દેશના ખ્યાતનામ અર્થશાસ્ત્રીઓએ ચિંતા વ્યક્ત કરી છે.
અગ્રણી અર્થશાસ્ત્રીઓએ OPSને લઈ શા માટે વાંધો ઉઠાવ્યો?
દેશના અગ્રણી અર્થશાસ્ત્રી અને બેંગલુરૂ સ્થિત ડો. બીઆર આંબેડકર સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ યુનિવર્સિટીના કુલપતિ એન આર ભાનુમૂર્તિએ કહ્યું કે NPS વિવિધ સ્તરે ખુબ જ વિચાર-વિમર્સ બાદ લાગુ કરવામાં આવી છે, અને સ્વતંત્ર ભારતનો સૌથી મોટો રોજકોષિય સુધાર છે. તેના કારણે સરકાર પર નાણાકીય બોજ ઘટ્યો છે, અને રાજ્ય સરકારોની રાજકોષિય સ્થિતી પણ ઘણી સુધરી છે. તેમણે કહ્યું કે જો OPSને સમગ્ર દેશમાં અમલી કરવામાં આવશે તો તેની નાણાકીય અસર ઘણી વ્યાપક થશે. જાહેર દેવાનું વ્યવસ્થાપન તથા સરેરાશ જીડીપી વૃધ્ધી દર પણ તેની અસર પડશે. જીડીપી વૃધ્ધી દર સાત ટકાથી વધવાની સંભાવના ઘટીને છ ટકા પર આવી શકે છે. તેમણે વધુમાં કહ્યું કે OPS લાગુ કરવાથી સરકારી ક્ષેત્રમાં કામ કરનારા સરકારી નોકરીયાતોને જ લાભ થશે, જો કે તે કુલ વસ્તીનો ખુબ જ નાનો ભાગ જ છે. સરકારી કર્મચારીઓની સાથે પ્રાઈવેટ સેક્ટરના કર્મચારીઓ સહિતના લોકોને પણ સામાજીક સુરક્ષાનો લાભ મળવો જોઈએ.