મણિપુરમાં છેલ્લા 80 દિવસથી હિંસા ચાલી રહી છે, રાજ્ય અને કેન્દ્ર સરકાર હિંસાને રોકવાના તમામ પ્રયાસો કરી રહી છે તેમ છતાં હજુ સુધી સફળતા મળી નથી. 19 જુલાઈના રોજ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેના કારણે દેશભરમાં ખળભળાટ મચી ગયો હતો. વીડિયોમાં કુકી સમાજની મહિલાઓ સાથે થયેલી બર્બરતાના કારણે સમગ્ર દેશની જનતા શરમમાં મુકાઈ ગઈ હતી. આ ઘટના બાદ વિદેશી મીડિયામાં પણ ભારતની નિંદા કરવામાં આવી હતી. આ મુદ્દે ગૃહમાં વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. વિપક્ષી નેતા મણિપુરમાં હિંસા અંગે સરકાર પાસે જવાબ માંગી રહ્યા છે. દરમિયાન, સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે વિપક્ષી ગઠબંધન 'ઈન્ડિયા' (ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ)ના નેતા આગામી સપ્તાહના અંત સુધીમાં મણિપુરની મુલાકાત લઈ શકે છે. સોમવારે સવારે વિપક્ષી નેતાઓ મણિપુર જવાની તારીખની જાહેરાત કરી શકે છે. વિપક્ષી દળોના ગઠબંધન ઇન્ડિયામાં સામેલ સહિત 26 દળનો સમાવેશ થાય છે.
મમતા બેનર્જીએ આપી જાણકારી
હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ જાણકારી આપી હતી. તૃણમુલ કોંગ્રેસ (TMC) ચીફ બેનર્જીએ ગુરૂવારે જણાવ્યું હતું કે, તેઓ રાજ્યની મુલાકાત કરવા અંગે અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી રહી છે. સુત્રો અનુસાર તેમણે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રીને પણ મણિપુર મુલાકાત અંગે વાતચીત કરી છે.
મણિપુરમાં હિંસા શા માટે ફેલાઈ?
મણિપુરમાં, 4 મેના રોજ, મીતેઈ સમુદાયના લગભગ 1,000 લોકોએ કુકી સમુદાયના એક ગામ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ હુમલાખોરોએ બે મહિલાઓને નગ્ન કરીને પરેડ કરી હતી. આ દરમિયાન ટોળાએ આ બે મહિલાઓ સાથે બર્બરતાની તમામ હદ વટાવી દીધી હતી. આ કેસમાં અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ધરપકડ કરાયેલા 4 લોકોમાંથી એક વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે ધરપકડ કરાયેલ 4 માંથી એક વ્યક્તિ ઘટના દરમિયાન ભીડનો ભાગ હતો. પોલીસે જણાવ્યું કે આરોપીની ઓળખ 32 વર્ષીય હુઈરેમ હેરાદાસ તરીકે થઈ છે. આ મામલે રાજ્ય અને કેન્દ્ર સરકારે દાવો કર્યો છે કે આરોપીઓને બક્ષવામાં નહીં આવે.