મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના ધારાસભ્યોની માગણીઓ નથી સ્વિકારતા અને ધક્કા ખવડાવે છે તેના કારણે ધારાસભ્ય જશુભાઈ પટેલ, ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ અને માણસાના ધારાસભ્ય મુખ્યમંત્રી કચેરી પર ધરણા પર બેઠા છે. મુખ્યમંત્રીના સેક્રેટરી અવંતિકા સિંહની કચેરી પર ધારાસભ્ય જશુભાઈ પટેલ સહિત બે ધારાસભ્યોએ નીચે જમીન પર બેસીને વિરોધ નોંધાવ્યો હતો.
આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છેઃ જશુ પટેલ
જમાવટ મીડિયાએ જ્યારે બાયડ-માલપુરના ધારાસભ્ય જશુ પટેલ સાથે વાત કરી હતી ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ લોકો મારી પાસે ધક્કા જ ખવડાવે છે. મને મળવા માટે સમય આપે છે પણ હું આવું છું ત્યારે મને કહી દેય છે કે હવે પાછા જાવ સાહેબ પાસે સમય નથી. મારા વિધાનસભા ક્ષેત્રના રસ્તા વગેરેમાં કામગીરી કરવા માટે હું 2 વર્ષથી મુખ્યમંત્રીને મળવાનો પ્રયાસ કરું છું પરંતુ મને મળવા દેવામાં નથી આવતા. અમને માત્ર ખાતરી જ આપવામાં આવે છે મળવા માટેનો સમય નથી અપાતો. મેં 100 વાર ધક્કા ખાધા છે પણ મને મળવા નથી દેતા. હું કલાકથી બેઠો છું મને એવું લાગે છે કે હું મંદિર બહાર ભીખ માગવા બેઠો છું. મારી સાથે માણસા અને બાલાસિનોરના ધારાસભ્ય અજિતસિંહ ચૌહાણ પણ ધરણા કરી રહ્યા છે.