ટેક્નોલોજી જેટલી આગળ વધી રહી છે તેમ તેમ તેનો દુરૂપયોગ પણ વધી રહ્યો છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં ડિવાઈસને હેક કરવામાં આવતા હોય છે. ફોન હેક ન થાય તે માટે કંપની દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અનેક એવી કંપની છે એ યુઝર્સને એલર્ટ આપી દે છે જો તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવે તો! હેકિંગની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે વિપક્ષી નેતાઓએ દાવો કર્યો છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ લિસ્ટમાં ટીએમસી સાંસદ, શિવસેના નેતા તેમજ કોંગ્રેસના નેતાને આવો એલર્ટ મેસેજ કંપની દ્વારા આપવામાં આવ્યો છે.
અનેક વિપક્ષી નેતાઓને મળ્યો છે Apple તરફથી એલર્ટ
દેશમાં વિપક્ષી નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેમના ફોનને અને તેમના ઈમેલને હેક કરવાની કોશિશ કરવામાં આવી. નેતાઓનો દાવો છે કે ફોન બનાવનાર કંપની તરફથી તેમને એક ચેતવણી રૂપ એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ફોનને હેક કરવાની કોશિશ કરવામાં આવી છે. એ એલર્ટમાં તેમને ચેતવણી આપવામાં આવી છે સરકાર તેમના ફોન હેક કરવાનો પ્રયાસ કરી રહી છે. અનેક વિપક્ષી નેતાઓએ ટ્વિટ કરી આ અંગેની જાણકારી આપી છે. ટીએમસી નેતા મહુઆ મોઈત્રા, કોંગ્રેસના નેતા શરીર થરૂર, પવન ખેરા તેમજ શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ તેમના ફોનના આવા સ્ક્રીનશોટ શેર કર્યો છે. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી છે કે આવો મેસેજ આપના સાંસદ રાઘવ ચઢ્ઢા, સપાના અખિલેશ યાદવને પણ આવ્યો છે.
રાહુલ ગાંધીએ અદાણી મુદ્દે ફરી એક વખત સરકારને ઘેરી
વિપક્ષી નેતાઓને આવા મેસેજ આવ્યા બાદ રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. હેકિંગ મામલે રાહુલ ગાંધીએ ફરી એક વખત ભાજપ અને અદાણી પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે પહેલા મને લાગતું હતું કે નંબર 1 પીએમ મોદી છે, નંબર 2 અદાણી છે અને નંબર 3 અમિત શાહ છે, પરંતુ આ ખોટું, નંબર 1 અદાણી છે, નંબર 2 પીએમ મોદી છે અને નંબર 3 અમિત શાહ છે. અમે ભારતની રાજનીતિ સમજી ગયા છીએ અને હવે અદાણીજી છટકી શકે તેમ નથી. વિચલિત કરવાની રાજનીતિ ચાલી રહી છે.... તે ઉપરાંત અનેક બીજા મુદ્દાઓને લઈ રાહુલ ગાંધી આક્રામક દેખાયા હતા.