આપણે જ્યારે ઘરથી દૂર હોઈએ ત્યારે ઘરની યાદ આવતી હોય છે. દેશથી દૂર હોઈએ ત્યારે દેશની યાદ આવતી હોય છે. વિદેશની ધરતી પર લોકો પોતાનો દેશ ખૂબ યાદ આવતો હોય છે અને જ્યારે એ દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે તો પોતાનો દેશ ખૂબ યાદ આવે છે. આવી જ કંઈ પરિસ્થિતિ ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોની છે. ઈઝરાયેલમાં પરિસ્થિતિ પ્રતિદિન ખરાબ થઈ રહી છે. લોકો બેઘર થઈ રહ્યા છે. સતત હુમલાઓ થતા હોવાના સમાચાર મળી રહ્યા છે. ત્યારે ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે.
235 ભારતીય નાગરિકો સ્વદેશ પરત આવ્યા
ભારતીયોને સુરક્ષિત રીતે ઈઝરાયેલથી ભારત પરત લાવવા ભારત સરકાર કાર્ય કરી રહી છે. ઓપરેશન અજયની શરૂઆત કરવામાં આવી છે. આ ઓપરેશન અંતર્ગત ભારતીયોને ભારત લાવવામાં આવી રહ્યા છે. ગઈકાલે ઓપરેશન અજય અંતર્ગત પેસેન્જરોથી ભરેલી પહેલી ફ્લાઈટ દિલ્હી પહોંચી હતી જેમાં 212 મુસાફરો હતા ત્યારે આજે પેસેન્જરોને લઈ બીજી ફ્લાઈટ દિલ્હી પહોંચી છે. આજે જે ફ્લાઈટ આવી છે તેમાં 235 ભારતીય નાગરિકો આવ્યા છે. યાત્રીઓના અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ 'વંદે માતરમ'ના નારા લગાવી રહ્યા છે.
ગઈકાલે પણ 212 ભારતીયોને ભારત સુરક્ષિત રીતે લવાયા હતા
ઈઝરાયેલમાં પરિસ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચે શરૂ થયેલા જંગમાં હજારો લોકો બેઘર થયા છે જ્યારે અનેક લોકોના મોત થયા છે. ત્યારે યુદ્ધગ્રસ્ત ઈઝરાયેલથી ભારતીય નાગરિકોને સુરક્ષિત ભારત લાવવા માટે ભારત સરકારે ઓપરેશન અજય શરૂ કર્યું છે. ગઈકાલે પણ 212 ભારતીયોને લઈ ફ્લાઈટ દિલ્હી આવી હતી ત્યારે પેસેન્જરોનો બીજો જથ્થો આજે આવી પહોંચ્યો છે. 232 ભારતીયો પરત ભારત સુરક્ષિત ફર્યા છે. સ્થાનિય સમયાનુસાર રાત્રે 11.00 વાગ્યાની આસપાસ ઉડાન ભરી. એવી પણ માહિતી સામે આવી રહી છે કે ભારતીયોને પરત લાવવા શરૂ કરાયેલું ઓપરેશન રવિવારે પણ કરવામાં આવશે.