ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એક વખત વૈશ્વિક સ્તરે ભડકો થાય તેવી શક્યતા છે. સાઉદી અરેબિયાની આગેવાની હેઠળ તેલ ઉત્પાદક દેશોની સંસ્થા OPEC+એ તેલ ઉત્પાદનમાં ભારે કાપની જાહેરાત કરી છે. સાઉદીએ કહ્યું છે કે, OPEC+ દેશો જુલાઈમાં ઉત્પાદનમાં દરરોજ 10 લાખ બેરલનો કાપ મૂકશે. આ જાહેરાત બાદ જ એશિયન ઓઈલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે. ઓપેક પ્લસે એમ પણ કહ્યું છે કે, 2024માં તેલ ઉત્પાદનમાં કાપ મૂકવાનો આ લક્ષ્યાંક વધારીને 1.4 મિલિયન બેરલ પ્રતિ દિવસ કરવામાં આવશે. OPEC+ દેશોના આ નિર્ણય બાદ તેલ ઉત્પાદન ગત ઘણા વર્ષોની તુલનામાં આ વર્ષે સૌથી નીચલા સ્તરે પહોંચી જશે.
ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી
આ આઘાતજનક જાહેરાતની અસર એ હતી કે WTI ફ્યુચર્સ લગભગ 5% ઉછળીને 73 ડોલર ની નજીક પહોંચી ગયો, વૈશ્વિક બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પણ બેરલ દીઠ 78 ડોલરની નજીક પહોંચી ગયો હતો. તેલ ઉત્પાદનમાં કાપની અસર સોમવારે એશિયાઈ બજારમાં પણ જોવા મળી હતી અને બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત લગભગ 2.4% વધીને પ્રતિ બેરલ 77 ડોલર પર પહોંચી ગઈ હતી. રવિવારે રશિયાના નેતૃત્વમાં OPEC+ની બેઠક યોજાઈ હતી જેમાં તેલ સમૃદ્ધ દેશોએ તેલની ઘટતી કિંમતો વધારવાના ઉપાયો અંગે ચર્ચા કરી હતી. OPEC+ મીટિંગ પછી, સાઉદી અરેબિયાના ઉર્જા પ્રધાન પ્રિન્સ અબ્દુલ અઝીઝ બિન સલમાને કહ્યું, 'બજારમાં સ્થિરતા લાવવા માટે અમે જે પણ જરૂરી હશે તે કરીશું.'
ઓઈલ ઉત્પાદનમાં OPEC+ની છે મોનોપોલી
વિશ્વના ક્રૂડ ઓઈલમાં OPEC+નો હિસ્સો લગભગ 40% છે અને તેના નિર્ણયો તેલની કિંમતો પર મોટી અસર કરી શકે છે. OPEC+એ 13 તેલ ઉત્પાદક દેશોનું સંગઠન છે જેમાં સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત, રશિયા, ઈરાન, ઈરાક, કુવૈત વગેરે દેશોનો સમાવેશ થાય છે.
ભારત પર નહીં થાય અસર
સાઉદી અરેબિયાના આ પગલાથી આગામી મહિનાઓમાં તેલના ભાવમાં વધારો થશે અને માંગમાં અનિશ્ચિતતા સર્જાશે. જો કે ભારત પર આની ખાસ અસર થશે નહીં કારણ કે ભારત તેની જરૂરીયાતનું સૌથી વધુ તેલ રશિયા પાસેથી આયાત કરે છે. નાણાકીય વર્ષ 2023માં, રશિયા સિવાય, સાઉદી અરેબિયા, ઈરાક, યુએઈ, અમેરિકા અને અન્ય દેશો સહિત અન્ય તમામ દેશોમાંથી ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. આરબીઆઈએ તેના નાણાકીય વર્ષ 23ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે, '2022-23માં ભારતના ક્રૂડ ઓઈલની આયાતના સ્ત્રોતમાં ફેરફાર થયો છે. આમાં રશિયાનો હિસ્સો એક વર્ષ પહેલા 2% થી વધીને 19.1% થયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે વિશ્વમાં તેલનો ત્રીજો સૌથી મોટો ગ્રાહક છે.