રાજ્યમાં છેલ્લા બે મહિનાથી શાકભાજી અને ફળોના ભાવમાં બેફામ વધારો થયેલો જોવા મળ્યો છે. ટમેટાના ભાવ આસમાને પહોંચ્યા બાદ હવે ડુંગળીએ લોકોને રડાવવાનું શરૂ કર્યું છે. ડુંગળીના ભાવમાં હવે વધારો નોંધાયો છે. એક જ સપ્તાહમાં રિટેઇલ બજારમાં ડુંગળીના ભાવ 10થી 15 રૂપિયા જેટલા ઊંચકાયા છે. જેના કારણે હવે લોકોના બજેટ પર અસર સર્જાઇ છે. ડુંગળી એક સપ્તાહ પહેલા એપીએમસી બજારમાં પ્રતિ કિલો 20 રૂપિયા આસપાસ મળતી હતી. રિટેઇલ બજારમાં 40 રૂપિયે કિલો ડુંગળી મળી રહી છે. તો શહેરમાં વિસ્તાર પ્રમાણે ભાવ વધુ જોવા મળી રહ્યો છે. કે જ્યાં કેટલાક વિસ્તારમાં 50થી 60 રૂપિયા કિલો ડુંગળી મળી રહી છે. આમ એક જ સપ્તાહમાં ડુંગળીના ભાવમાં લગભગ 20 ટકા જેટલો વધારો થયો છે.
હજુ ભાવ વધવાની આશંકા
ડુંગળી ગરીબોની કસ્તુરી કહેવાય છે પણ ડુંગળીના ભાવમાં અચાનક જ વધતા સૌને આશ્ચર્ય થયું છે. વેપારીઓના જણાવ્યા પ્રમાણે બજારમાં ડુંગળી નાશિક, પુણે, અને સૌરાષ્ટ્રમાંથી આવતી હોય છે. જેમાં હાલ સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડથી ડુંગળી આવવાનું બંધ છે અને માત્ર નાશિક અને પુણેથી ડુંગળી આવી રહી છે. જોકે ત્યાં વરસાદની અસરના કારણે ડુંગળીને નુકસાન થતાં અને આવક ઓછી થતા ભાવમાં વધારો નોંધાયો છે અને હજુ પણ આ ભાવ વધવાની શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે.