એક સમય હતો કે ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા હતા. પ્રતિ કિલો 200 રુપિયાના ભાવે ટામેટા વેચાતા હતા. એ સમયની વાત આપણે જાણીએ છીએ. અનેક સમાચાર તમે વાંચ્યા અને જોયા હશે. પરંતુ એકાએક ટામેટાની કિંમત ઘટી ગઈ. જે ટામેટા 200 રુપિયાની આસપાસ માર્કેટમાં વેચાતા હતા તે હવે હમણાં કેટલા ભાવમાં વેચાય છે તે તમે જાણો છો.. એકાએક ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટામેટા બાદ ડુંગળીના ભાવમાં વધારો હાલ જોવા મળી રહ્યો છે. ડુંગળીના ભાવ સતત વધી રહ્યા છે. ડુંગળીના ભાવ બમણા કરતા પણ વધારે થઈ ગયા છે.
15 દિવસની અંદર વધી ગયા ડુંગળીના ભાવ
મોંઘવારી વધી ગઈ છે તેવા શબ્દો અનેક વખત આપણે સાંભળ્યા અથવા તો કહ્યા હશે. એવું પણ સાંભળ્યું હશે કે થોડા દિવસો પહેલા તો શાકભાજી આટલા ભાવે મળતી હતી પરંતુ માત્ર થોડા દિવસોની અંદર જ ભાવ વધારો થઈ ગયો. થોડા સમય પહેલા જ ટામેટાના ભાવમાં જે વધારો થયો તે આપણે જોયો છે. ટામેટા કેટલા ભાવે વેચાતા હતા તે પણ આપણે જાણીએ છીએ. ટામેટા બાદ હવે ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. માત્ર 15 દિવસની અંદર જ ભાવ ડબલ અથવા તો તેના કરતા વધી ગયા છે. ગરીબોની કસ્તુરી ડુંગળીને ગણવામાં આવે છે. એક સમયે ડુંગળી 30થી 40 રુપિયાની વચ્ચે વેચાઈ રહી હતી તે આજે 70થી 80 રુપિયે વેચાઈ રહી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં આ ભાવ વધી પણ શકે છે.
પહેલા વરસાદ ન આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે...
ખેતી પર ભારતનું અર્થતંત્ર ચાલે છે. પરંતુ ખેતી વરસાદ પર આધારીત છે. ખરાબ હવામાન હોવાને કારણે અનેક વખત ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવે છે. કોઈ વખત વધારે વરસાદને કારણે તો કોઈ વખત અપુરતા વરસાદને કારણે ખેડૂતોને ભોગવવાનો વારો છે. પાક નિષ્ફળ જાય છે તે પાકની ઓછી આવક થાય છે. ઓછી આવક થાય છે તો ભાવમાં વધારો થાય છે. ત્યારે આ વખતનું ચોમાસુ બહુ વિચિત્ર હતું. પહેલા વરસાદ ન આવ્યો જેને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો અને પછી એટલો બધો વરસાદ આવ્યો કે પાકને નુકસાન પહોંચ્યું. ડુંગળાના ભાવમાં ઓચિંતો વધારો શા માટે થઈ રહ્યો છે તેની ચર્ચા શાકભાજીના વેપારીઓમાં તેમજ ખેડૂતોમાં થઈ રહી છે.
આંકડાઓ શું કહે છે?
ગ્રાહક સુરક્ષા મંત્રાલયના આંકડા અનુસાર આ વર્ષે ઓક્ટોબર મહિનામાં ડુંગળીના ભાવમાં 10 રુપિયા જેટલો વધારો નોંધાયો છે. તે ઉપરાંત ડિપાર્ટમેન્ટ ઑફ કન્ઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર સમગ્ર દેશમાં ડુંગળીનો સરેરાશ જથ્થાબંધ ભાવ 26 ઑક્ટોબરે 3,112 રૂપિયે પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે જે ઑક્ટોબર મહિનાની શરૂઆતમાં 2,506 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો.દેશના અનેક રાજ્યોમાં ડુંગળીના ભાવ 50ને પાર પહોંચી ગયા છે જ્યારે ગુજરાતના અનેક ભાગોમાં ડુંગળીના ભાવ 60ને પાર પહોંચી ગયા છે.
આ વખતનું ચોમાસું રહ્યું અનિયમિત
ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો આ વર્ષે વરસાદ એકદમ અનિયમિત રહ્યો હતો. કમોસમી વરસાદ પણ વરસ્યો હતો. ઉપરાંત બિપોરજોય વાવાઝોડાને કારણે પણ પાકને નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં પહેલા એદકમ જોરદાર વરસાદ થયો પરંતુ એક-દોઢ મહિના સુધી વરસાદ બિલકુલ ન વરસ્યો હતો. અને તે બાદ એટલો વધારે વરસાદ આવ્યો કે અનેક જગ્યાઓ પર પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. ન માત્ર ડુંગળીના પાકને પરંતુ દરેક શાકભાજી પર અનિયમિત વરસાદની વિપરીત અસર પડી છે. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે આવનાર દિવસોમાં આ ડુંગળીના ભાવ હજી પણ વધી શકે છે.
ડુંગળી અને રાજકારણને ગાઢ સંબંધ છે!
ડુંગળીના ભાવ વધતા સરકારની ચિંતા પણ વધતી હોય છે. ડુંગળીના ભાવ અને સરકાર જાણે એકબીજા સાથે જોડાયેલા હોય તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. હાલ પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. રાજસ્થાન, તેલંગાણા, મધ્યપ્રદેશ, મિઝોરમ અને છત્તીસગઢમાં ચૂંટણી થવાની છે. ઉપભોક્તા મંત્રાલયની વેબસાઈટ અનુસાર, 29 ઓક્ટોબર, રવિવારના રોજ દેશમાં ડુંગળીની મહત્તમ સરેરાશ કિંમત 83 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ હતી.
સરકારે ડુંગળીના ભાવને નિયંત્રિત રાખવા લીધા આ પગલા
ગુજરાતી મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી રાજ્ય મધ્ય પ્રદેશમાં ડુંગળીની સરેરાશ છૂટક કિંમત 44.28 રૂપિયા છે. રાજસ્થાનમાં તે 34 રૂપિયા પ્રતિ કિલો, છત્તીસગઢમાં 42 રૂપિયા, મિઝોરમમાં 65 રૂપિયા અને તેલંગાણામાં 38 રૂપિયા પ્રતિ કિલો છે. ચૂંટણી સિવાયના રાજ્યોની સરખામણીમાં આ રાજ્યોમાં રાહત છે, પરંતુ ડુંગળીએ મોંઘવારીના મુદ્દે ઘણી સરકારોને પરેશાન કરી છે. સરકારને પણ ડુંગળીના ભાવ વધશે તેવી ભીંતિ હતી જેને કારણે સરકારે ઓગસ્ટ મહિનામાં જ ડુંગળીના નિકાસ પર 40 ટકા જેટલી ડ્યુટી લગાવી દીધી હતી જેને કારણે ડુંગળી સ્થાનિક માર્કેટોમાં જ રહે. 31 ઓક્ટોબર સુધી આ આદેશ લાગુ રહેશે.