દિલ્હીમાં ફરી એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. મળતી માહિતી અનુસાર 31 ડિસેમ્બરની મોડી રાત્રે ભૂકંપ અનુભવાયો હતો. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આંચકા આવ્યા હતા. મોડી રાત્રે લગભગ 1.20 કલાકે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે મોડી રાત્રે આ ભૂકંપ આવ્યો હતો જેનું મુખ્ય કેન્દ્ર હરિયાણાના ઝજ્જરમાં હતું.
3.8 તીવ્રતાનો નોંધાયો ભૂકંપ
છેલ્લા કેટલાક સમયથી દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. વર્ષના પ્રથમ દિવસે જ દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મોડી રાત્રે 3.8 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જેમાં કોઈ જાનહાની નથી થઈ. આ અગાઉ 29 નવેમ્બરે દિલ્હીની ધરા ધ્રૂજી હતી. તે વખતે 2.5 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર બીંદુ દિલ્હીનો પશ્ચિમ વિસ્તાર હતો.
નવેમ્બરમાં અનેક વખત દિલ્હીમાં અનૂભવાયા છે આંચકા
29 નવેમ્બર પહેલા 12 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે દિલ્હીની સાથે ઉત્તરાખંડની પણ ધરા ધ્રૂજી હતી. ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. તે પહેલા 9 નવેમ્બરે પણ ભૂકંપ આવ્યો હતો. તે સમયે ન કેવળ દિલ્હીની ધરા ધ્રૂજી હતી પરંતુ 7 રાજ્યોમાં ભૂકંપની અનુભૂતિ થઈ હતી. નેપાળ, ચીનમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપને કારણે લોકોના મોત પણ થયા હતા. ઉપરાંત ઘણું નુકસાન પણ થયું હતું.