ગુજરાતમાં પેપર-લીક થવું હવે સામાન્ય થઈ ગયું છે. અનેક વખત પેપર લીક થવાના કિસ્સા સામે આવતા રહે છે. ત્યારે ફરી એક વખત પેપર લીક કાંડ મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સામે આવ્યું છે. BBA અને B.com સેમ 5ની પરીક્ષાનું પેપર ફુટતા વિવાદ સર્જાયો છે. જેને કારણે BBAનું નવું પેપર કાઢવામાં આવ્યું છે જ્યારે બીકોમની પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરવામાં આવશે. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થયો છે.
સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થતા વિદ્યાર્થીઓમાં રોષ
બી.બીએ સેમેસ્ટેર 5માં ડાયરેક્ટ ટેક્સની પરીક્ષા થવાની હતી એને બી.કોમ વાળાની આજે ઓડિટિંગ એન્ડ ગવર્નન્સ-1ની પરીક્ષા લેવાની હતી. પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ હેરાન થઈ ગયા છે અને રોષે ભરાયા છે. 12 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પર પેપર વાયરલ થઈ ગયું હતું. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર ફૂટતા તાત્કાલિક બીબીએનું નવું પેપર કાઢવામાં આવ્યું હતું. જ્યારે B.Comની પરીક્ષાની નવી તારીખો જાહેર કરવામાં આવશે. પરીક્ષાના એક દિવસ પહેલા પેપર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા કેન્દ્રો પર મોકલી દેવામાં આવે છે. જેને કારણે અનેક વખત પેપર ફૂટતા રહે છે અને હજારો વિદ્યાર્થીના ભાવિ સાથે ચેડા થાય છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા
અનેક વખત પેપર ફૂટવાનો મામલો સામે આવતો રહે છે. પેપર લીક થવું હવે સામાન્ય બની ગયું છે. અનેક યુનિવર્સિટીઓમાંથી પેપર લીક કાંડ સામે આવતા હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કૌભાંડનું એપી સેન્ટર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. પેપર લીક થતા નિર્દોષ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર આની અસર પડે છે. તેમનું ભવિષ્ય બગડી જતું હોય છે. આમાં મહેનત કરનાર વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફળી વળે છે. તંત્રને એક પ્રશ્ન પૂછવાની ઈચ્છા થાય કે ક્યાં સુધી તંત્રની બેદરકારીને કારણે વિદ્યાર્થી ભોગ બનશે.