8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ...મહિલાઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે. મોટી ભેટ કરતા મોંઘવારીમાંથી રાહત આપી તેવું કહીએ તો અતિશયોક્તિ ના કહેવાય. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં એક સાથે 100 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગેની જાહેરાત કરી છે. પીએમ મોદીએ લખ્યું કે આજે મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાની છૂટનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારી શક્તિનું જીવન સરળ બનશે એટલું જ નહીં પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઓછો થશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૂપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે.
100 રૂપિયાનો ગેસ સિલિન્ડરના ભાવમાં કર્યો ઘટાડો!
મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ, શાકભાજી, ગેસ સિલિન્ડર સહિતની રોજિંદી ચીજ વસ્તુઓ મોંઘી થઈ રહી છે. મોંઘવારીનો માર સહન કરવા મધ્યમ પરિવાર મજબૂર બન્યો છે. જ્યારે શાકભાજી, ગેસ સિલિન્ડરના ભાવમાં, અનાજ,કઠોળ જેવી વસ્તુઓમાં ભાવ વધારો કરવામાં આવે છે તેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડે છે. શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થાય છે. એક તરફ મોંઘવારીનું સ્તર વધી રહ્યું છે તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલાઓને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
ચૂંટણી પહેલા કરવામાં આવતા હોય છે વાયદા!
લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ મોંઘવારી, બેરોજગારી જેવા અનેક મુદ્દાઓ ઉઠતા હોય છે. અનેક વખત ચૂંટણી પહેલા ગેસ સિલિન્ડરના ભાવને લઈ અનેક જાહેરાતો કરવામાં આવે છે. જો અમારી સરકાર બની તો આટલામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે વગેરે વગેરે... ચૂંટણી સમયે લાણી આપી પાર્ટી મતદાતાઓને રિજવવાનો પ્રયાસ કરતી હોય છે. અનેક વાયદાઓ કરવામાં આવતા હોય છે. ત્યારે આ વખતે લોકસભા ચૂંટણી પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસએ મહિલાઓને લાણી આપવામાં આવી છે અને ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ત્યારે જોવું રહ્યું કે કંપની દ્વારા ભાવ વધારો ક્યારે અને કેટલો કરવામાં આવે છે!