14 ફેબ્રુઆરીના રોજ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે. ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરવાનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે. આ દિવસે પ્રેમીઓ એક બીજાને ગુલાબના ફૂલો આપી પ્રેમનો હિઝહાર કરતા હોય છે. ત્યારે અનેક જગ્યાઓ પર વેલેન્ટાઈન ડેના દિવસે માતા-પિતાની પૂજા કરવામાં આવી હતી. વાપીની શાળામાં તેમજ ડીસાની શાળામાં માતા પિતાની પૂજા કરવામાં આવી હતી.
માતા પિતાની પૂજા કરી ઉજવ્યો વેલેન્ટાઈન ડે
આજની પેઢી વેસ્ટર્ન કર્લ્ચરથી ઘણી પ્રભાવિત થઈ રહી છે. ભારતમાં વેલેન્ટાઈન ડેની ઉજવણી અનેક લોકો કરી રહ્યા છે. આ દિવસે લોકો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. ત્યારે રાજ્યની અનેક શાળાઓમાં આ દિવસની ખાસ રીતે ઉજવણી કરવામાં આવી હતી. ડીસામાં આવેલી આદર્શ હાઈસ્કુલ ખાતે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની બદલે માતા પિતાનું પૂજન કરવામાં આવ્યું હતું. ડીસા ઉપરાંત વાપીની જ્ઞાનગંગા શાળામાં પણ માતા પિતાની પૂજા કરવામાં આવી હતી.
ઉત્સાહપૂર્વક વિદ્યાર્થી તેમજ વાલીઓએ લીધો ભાગ
આ પૂજા જ્યારે કરવામાં આવી રહી હતી તે દરમિયાન અનેક ભાવુક દ્રશ્યો સામે આવ્યા હતા. આ દિવસની ઉજવણી કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પહોંચ્યા હતા. વેલેન્ટાઈન ડેની ઉજવણી ન કરી વાલીઓની પૂજા કરી સંસ્કૃતિનું જતન કર્યું હતું અને સમાજને એક નવો માર્ગ બતાવ્યો હતો.