નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે. માતાજીની આરાધના કરવામાં આવે છે. માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. શક્તિપીઠમાં નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા હોય છે. દૂર દૂરથી માઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજે નવરાત્રીનો સાતમો દિવસ છે. સાતમા નોરતે માતા કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો છે. મોટી સંખ્યામાં માઈ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. કાલરાત્રિ માતાની આરાધના આજે કરવામાં આવતી હોવાથી આજે મંદિરમાં મોટી સંખ્યામાં માનવમહેરામણ ઉમટ્યો છે. માઈ ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
પાવાગઢમાં ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
ગુજરાતમાં અનેક શક્તિપીઠ આવેલા છે. અંબાજી, ચોટીલા સહિતના માઈ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. માતાજીના દર્શન કરી ભક્તો માતાજીના આશીર્વાદ મેળવતા હોય છે અને ધન્યતા અનુભવે છે. નવરાત્રીના દિવસો દરમિયાન માઈ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટતી હોય છે. આજે નવરાત્રીના સાતમા નોરતે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના સાતમા નોરતે પાવાગઢ ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો છે. માતાજીનું કાલરાત્રિ સ્વરૂપ ભલે ભયાનક હોય પરંતુ તે પોતાના ભક્તો માટે ખૂબ જ દયાળું છે. પાવાગઢ સિવાય શક્તિપીઠ અંબાજીમાં પણ ભક્તોનો માનવમહેરામણ ઉમટ્યો છે. વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે.
શું છે શક્તિપીઠનો ઈતિહાસ?
પૌરાણીક કથા અનુસાર માતા સતીના પિતા દક્ષરાજાએ યજ્ઞનું આયોજન કર્યું હતું. તે યજ્ઞમાં દરેકને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ તેમણે તેમની પુત્રી અને જમાઈ એટલે કે ભગવાન શંકરને આમંત્રણ આપ્યું ન હતું. યજ્ઞની વાત સાંભળતા જ સતી યજ્ઞસ્થળ પર પહોંચ્યા હતા. ત્યારે દક્ષ રાજાએ મહાદેવજીનું અપમાન કર્યું. સતી મહાદેવજીનું અપમાન ન સહી શક્યા. તેમણે પોતાની શક્તિથી પોતાના દેહનો ત્યાગ કર્યો. આ વાત સાંભળી મહાદેવ ક્રોધિત થઈ ગયા. મહાદેવજી સતીના શરીરને લઈ જઈ રહ્યા હતા ત્યારે ભગવાન નારાયણે સુદર્શન ચક્રથી તેમના શરીરના 52 ટુકડા કર્યા. જ્યાં જ્યાં માતા સતીના દેહના ટુકડા પડ્યા હતા ત્યાં ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ છે. ગુજરાતમાં પણ અનેક શક્તિપીઠો આવ્યા છે. નવરાત્રી દરમિયાન મંદિરો જય જય અંબેના નારાથી ગુંજી ઉઠ્યા છે.