એક તરફ 14મી ફ્રેબુઆરીના રોજ લોકો વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યા હતા તો બીજી તરફ દેશના જવાનો આતંકવાદીઓનો નિશાન બન્યા હતા. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં દેશના જવાનોનો કાફલો પસાર થતો હતો તે દરમિયાન વિસ્ફોટક ભરેલી કાર તેની સાથે ટકરાવીને આતંકવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. પાકિસ્તાન સમર્થિક જૈશે મહોમ્મદના આત્મઘાતી હુમલાખોરો દ્વારા 40 સીઆરપીએફ જવાનો શહીદ થઈ ગયા હતા.
40 જવાનો થયા હતા શહીદ
14 ફેબ્રુઆરી 2019ના રોજ આતંકવાદીઓએ દેશના જવાનો પર હુમલો કર્યો હતો. સવાર સુધી માહોલ એકદમ નોર્મલ હતો પરંતુ બપોર બાદ આ માહોલ બદલાઈ ગયો હતો. દેશના જવાનો પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. તેમનો કાફલો જ્યારે પસાર થઈ રહ્યો હતો દરમિયાન વિસ્ફોટક લઈ જઈ રહેલા વાહને તેમને ટક્કર મારી દીધી હતી. આ દુર્ઘટનામાં 40 જવાનો શહિદ થઈ ગયા હતા. હુમલો થયો બાદ જવાનોને આર્મી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ હુમલાની તપાસ એનઆઈએ દ્વારા કરવામાં આવી હતી.
પીએમ મોદી, અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ
આ હુમલાની આજે ચોથી વરસી છે. આ દિવસે અનેક નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરી લખ્યું કે એ વીરોને યાદ કરી રહ્યો છું, જેમને આપણે પુલવામામાં ખોઈ દીધા છે. તેમના સર્વોચ્ચ બલિદાનને નહીં ભૂલી શકીએ. તે ઉપરાંત અમિત શાહે પણ વીર જવાનોને યાદ કર્યા છે. તેમણે લખ્યું કે હું 2019માં આજના દિવસે પુલવામામાં થયેલા આતંકીહુમલામાં શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવું છું.