માતાજીના નવલા નોરતાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રી દરમિયાન માં જગદંબાની આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ત્યારે નવરાત્રીના પ્રથમ નોરતે ગુજરાતમાં આવેલા શક્તિપીઠ અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા તેમજ પાવાગઢ ખાતે પણ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. દૂર-દૂરથી લોકો માં અંબાના દર્શન કરવા આવે છે. દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
બોલ મારી અંબે જય જય અંબે નાદથી ગુંજ્યુ ચાચર ચોક
આદ્યશક્તિના 52 શક્તિપીઠોમાંથી મુખ્ય ગણાતું અંબાજી શક્તિપીઠ ખાતે નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. એવી માન્યતા છે કે માતા સતીનું હૃદય આ સ્થાનકે પડ્યું હતું. જેથી આ સ્થાનનું મહાત્મય વધી જાય છે. સામાન્ય દિવસોમાં પણ માં અંબાના દર્શને ભક્તો આવતા હોય છે પરંતુ નવરાત્રી દરમિયાન દર્શન કરવાનો અનેરો મહિમા હોય છે. જેને કારણે નવરાત્રીના પ્રથમ નોરતે જ ભાવિકોનું ઘોડાપુર અંબાજી ખાતે ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યમાં ભક્તો ઉપસ્થિત રહેતા મંદિર પરિસર બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અંબાજી મંદિરના મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે ઘટસ્થાપના વિધિ કરવામાં આવી હતી.
પાવાગઢમાં પણ ઉમટ્યું ભાવિકોનું ઘોડાપુર
ગુજરાતમાં આવેલા બીજા શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લાખોની સંખ્યામાં ભક્તોએ માં મહાકાળીના દર્શન કર્યા હતા. ભક્તોનું ઘોડાપુર ઉમટી પડતા સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી. મંદિરમાં આવતા ભક્તોને અગવડ ન પડે તે માટે પોલીસ વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી હતી. બપોર સુધી અંદાજીત 2 લાખથી વધુ દર્શનાર્થીઓએ દર્શનનો લાભ લીધો હતો. નવરાત્રીના પ્રથમ નોરતે માં આગળ શિશ નમાવી માંના આશીર્વાદ મેળવી દર્શનાર્થીઓ ભાવવિભોર બન્યા હતા.