છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીને કારણે નવરાત્રીનું આયોજન કરવામાં આવતું ન હતું. ત્યારે આ વર્ષે કોરોના નિયંત્રણમાં આવતા, મોટા પાયે ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 2 વર્ષ બાદ ગરબા રમવા મળતા ખેલૈયાઓ ઉત્સાહિત હતા. પરંતુ નવરાત્રીના પ્રથમ નોરતે વરસાદ પડવાને કારણે રંગમાં ભંગ પડી રહ્યો છે. રાજ્યના અનેક શહેરોમાં ભારે વરસાદ પડવાને કારણે ખેલૈયાઓના આનંદમાં ઘટાડો થયો છે.
અનેક જગ્યાઓ પર વરસ્યો વરસાદ
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના ખોખરા, મણિનગર, અમરાઈવાડી, CTM, વટવા, ઘોડાસર સહિતના અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. વડોદરા ખાતે પણ વરસાદની પધરામણી થતા આયોજકોમાં ચિંતા પ્રવર્તી છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલીમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. ગીર પંથકના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. સૌરાષ્ટ્રના ગીર સોમનાથના ઉના, સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્તા ખેલૈયાઓમાં નિરાશા પ્રવર્તિ હતી. સુરતમાં પણ વરસાદ વરસ્યો હતો. તેમજ ભાવનગરમાં પણ ધોધમાર વરસાદ થયો હતો જેને કારણે ખેલૈયાઓમાં તેમજ આયોજકો ચિંતામાં મૂકાયા છે. પરંતુ આ તો ગુજરાતીઓ કહેવાય, વરસાદમાં પણ ગરબે ઘૂમે તો નવાઈ નહીં.