સમગ્ર દેશમાં ભક્તિભાવ સાથે મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ રહી છે. મહાશિવરાત્રી એટલે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવાનો દિવસ. આ દિવસે શિવમંદિરોમાં દર્શનાર્થીઓની લાંબી લાઈન જોવા મળતી હોય છે. તે ઉપરાંત જ્યોતિર્લિંગના દર્શન કરવાનો પણ વિશેષ મહિમા હોય છે. પ્રથમ જ્યોતિર્લિંગ ખાતે ભાવિકોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું છે. હર હર મહાદેવના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા છે.
વહેલી સવારથી ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર
મહાશિવરાત્રીના દિવસે ભગવાન શંકરની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજન અર્ચન કરી મહાદેવને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે દેશના વિવિધ શિવાલયોમાં વહેલી સવારથી ભાવિકોની ભીડ જોવા મળી રહી છે. આ દિવસે જ્યોતિર્લિંગના દર્શન કરવાનો મહિમા અનેરો હોય છે. ત્યારે સોમનાથમાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિકો આવી રહ્યા છે. અનેક લોકોએ સોમનાથ દાદાની આરતીનો લાભ લીધો હતો. તે ઉપરાંત મહાશિવરાત્રી પ્રસંગ મંદિર સતત 42 કલાક સુધી ખુલ્લું રહેશે.
મંદિરમાં કરાયું છે વિશેષ પૂજાનું આયોજન
મહાશિવરાત્રીને લઈ મંદિર દ્વારા વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે 4 વાગ્યે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. સતત 42 કલાક સુધી મહાદેવની વિશેષ પૂજા કરવામાં આવશે. મહામૃત્યુંજય યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તે સિવાય ચારેય પ્રહર દરમિયાન ભગવાન ભોળાનાથની ભક્તિભાવ સાથે પૂજા કરવામાં આવશે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સોમનાથ દાદાના દર્શનનો લાભ લીધો હતો.