થોડા દિવસો પહેલા રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ્દ કરવામાં આવ્યું હતું. મોદી સરનેમ પર આપેલા નિવેદનને લઈ સુરતની કોર્ટે તેમને સજા અને દંડ ફટકાર્યો હતો. જે બાદ માત્ર અમુક કલાકોની અંદર જ રાહુલ ગાંધીને સંસદ માટે અયોગ્ય જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે દેશના નહીં પરંતુ વિદેશના મંત્રીઓ પણ નિવેદન આપી રહ્યા છે. વિદેશી મીડિયા પણ આ મામલે ધ્યાન રાખી રહી હતી. ત્યારે અમેરિકાના ડેપ્યુટી પ્રિંસિપલ સ્પોક્સપર્સન વેદાંત પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી છે.
શું કહ્યું વેદાંત પટેલે?
વેદાંત પટેલે આ અંગે નિવેદન આપતા કહ્યું કે કાયદો અને ન્યાય તંત્રનું સન્માન કોઈ પણ લોકતંત્રની આધારશિલા છે.અમે ભારતની અદાલતમાં રાહુલ ગાંધીનો મામલો જોઈ રહ્યા હતા. ભારત સાથે વાતચીતમાં અને લોકતાંત્રિક મૂલ્યોનું મહત્વ, માનવાધિકારોની સુરક્ષા અને અભિવ્યક્તિની આઝાદી પર જોર આપી રહ્યા છે. કારણ કે એ જ કડી છે જે બંને દેશોના લોકતંત્રને મજબૂત કરે છે.
આ મામલે શું થઈ કાર્યવાહી?
ઉલ્લેખનીય છે કે 2019માં મોદી સરનેમને લઈ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી હતી. જે બાદ તેમની વિરૂદ્ધ અરજી દાખલ કરવામાં આવી હતી. સુરતની કોર્ટમાં આ કેસને લઈ સુનાવણી દાખલ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે રાહુલ ગાંધીને દોષિત જાહેર કર્યા હતા ઉપરાંત સજા પણ ફટકારી હતી. જે બાદ રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ રદ્દ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સરકારી બંગલો ખાલી કરવા પણ રાહુલ ગાંધીને નોટિસ મોકલી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર 22 એપ્રિલ 2023 સુધી રાહુલ ગાંધીએ સરકારી બંગલો ખાલી કરી દેવો પડશે.
આ મામલે કોંગ્રેસ જોવા મળી શકે છે આક્રામક
આ મુદ્દાને લઈ કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે. દેશભરમાં આ મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ઉપરાંત સંસદમાં પણ કોંગ્રેસના સાંસદો કાળા કપડા પહેરીને આવ્યા હતા અને વિરોધ દર્શાવ્યો હતો. ઉપરાંત આવનાર સમયમાં પણ કોંગ્રેસ આ મુદ્દાને લઈ વિરોધ કરી શકે છે તેવી માહિતી મળી રહી છે.