સોમવારે કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાહુલ ગાંધી હાલ ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. ત્યારે તેમની યાત્રામાં કોઈ વિધ્ન ન આવે તે માટે કર્ણાટકના બેલ્લારીમાં મતદાન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. તેઓ કર્ણાટક ખાતેથી મતદાનમાં ભાગ લેવાના છે. સોનિયા ગાંધી દિલ્હીમાં આવેલ પાર્ટી મુખ્યાલયથી મતદાન કરવાના છે.
રાહુલ ગાંધી મતદાન કરી શકે તે માટે કરાઈ બૂથની વ્યવસ્થા
લોકસભા ચૂંટણી પહેલા વિખરાઈ ગયેલી કોંગ્રેસને એકઠી કરવા કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કરી રહ્યા છે. અનેક રાજ્યોમાંથી આ યાત્રા પસાર થઈ રહી છે. તેમની યાત્રા દરમિયાન તેઓ રાષ્ટ્ર્રીય અધ્યક્ષ બનશે કે નહીં તે પ્રશ્ન અનેક વખત પૂછવામાં આવ્યો છે. ત્યારે તેઓ જવાબમાં હંમેશા ના પાડતા આવ્યા છે. એ વાત સત્ય થઈ રહી છે. કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની ચૂંટણી સોમવારે યોજાવાની છે. શશિ થરૂર, મલ્લિકાર્જૂન ખડગે સહીતના નેતાઓ વચ્ચે ચૂંટણી યોજાવાની છે. તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન મતદાન કરી શકે તે માટે બૂથ બનાવામાં આવ્યો છે.
19 ઓક્ટોબરના રોજ હાથ ધરાશે મતગણતરી
ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે અનેક કોંગ્રેસના નેતાઓ જોડાયેલા છે. ત્યારે તમામ લોકો મતદાન કરી શકે તે માટે એક કેમ્પ બૂથ બનાવવામાં આવ્યા છે. મતદાન સવારે 10 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે. તમામ બેલેટ બોક્સને દિલ્હી લાવવામાં આવશે અને 19 ઓક્ટોબરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે અને તે બાદ પરિણામ જાહેર કરવામાં આવશે.