મહાશિવરાત્રીની ઉજવણી ધામધૂમથી થઈ રહી છે. મહાદેવને પ્રસન્ન કરવા ભક્તો વિશેષ ઉપાયો કરતા હોય છે. આપણને ખબર છે કે મહાદેવજી પાસે ત્રિશુળ છે, ડમરૂ છે , ચંદ્રને પોતાના શીશ પર ધારણ કરે છે તેમજ નંદી પર સવારી કરે છે માતા ગંગાને પોતાની જટામાં ધારણ કરે છે. પરંતુ શું તમને ખબર છે આ વસ્તુઓ મહાદેવજી સાથે કેવી રીતે જોડાયેલી છે અથવા તો આ વસ્તુઓ તેમને કેવી રીતે પ્રાપ્ત થઈ?
શા માટે ભગવાન શંકર હંમેશા ત્રિશુળને રાખે છે સાથે?
સૌથી પહેલા વાત કરીએ ત્રિશુળની. ભગવાન શંકરને સંહારક દેવ તરીકે ગણવામાં આવે છે. બ્રહ્માજી સૃષ્ટિની રચના કરે છે, ભગવાન વિષ્ણુ પાલનહાર છે જ્યારે સૃષ્ટિનો નાશ ભગવાન શંકર કરે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ રજ, તમ અને સત સાથે પ્રગટ થયા હતા જે ત્રિશુળના રૂપમાં ભગવાન શિવના અંશ બન્યા હતા. આ ત્રણેય ગુણો વિના બ્રહ્માંડનું કાર્ય શક્ય નથી તેથી ભગવાન શિવે તેમને હાથમાં ધારણ કર્યું છે.
કઠોર તપસ્યા બાદ વાસુકી બન્યા મહાદેવનું આભૂષણ
ભગવાન શિવ પોતાના ગળામાં સર્પને ધારણ કરે છે. આભૂષણના રૂપમાં શંકર ભગવાને સર્પને ધારણ કર્યો છે જેને નાગરાજ વાસુકી કહેવામાં આવે છે, ભગવાનને પ્રસન્ન કરવા વાસુકીએ અનેક વર્ષો સુધી તપ કર્યું હતું જે બાદ ભગવાન શિવે પ્રસન્ન થઈ તેમને પોતાના ગળામાં ધારણ કર્યા હતા.
પ્રસન્ન થઈ શિવજીએ ચંદ્રને પોતાના મસ્તક પર કર્યા ધારણ
શિવજી પોતાના મસ્તક પર ચંદ્રને ધારણ કરે છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રએ પ્રજાપતિ દક્ષાની 27 કન્યાઓ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ રોહિણી પ્રત્યે ચંદ્રને વિશેષ પ્રેમ હતો. જેને લઈ પ્રજાપતિ દક્ષે ચંદ્રને ક્ષીણ થવાનો શ્રાપ આપ્યો હતો. શ્રાપથી બચવા માટે ચંદ્ર દેવે ભગવાન શિવની આરાધના કરી હતી. ચંદ્રની તપસ્યાથી ભગવાન શંકર પ્રસન્ન થયા અને તેમને પોતાના શિશ પર ધારણ કરી લીધા. એવું માનવામાં આવે છે પ્રજાપતિના શ્રાપને કારણે ચંદ્ર વધતો ઘટતો રહે છે.
ડમરૂના નાદથી સ્વર, તાલ, લય થયા ઉત્પન્ન
જેમ દરેક દેવતા પાસે અલગ અલગ વાદ્ય છે, તેમ ડમરૂ ભગવાન શંકરનું વાદ્ય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શંકર ડમરૂ સાથે પ્રગટ થયા હતા. પૌરાણીક કથા અનુસાર સરસ્વતીના દેખાવ સાથે બ્રહ્માંડમાં ધ્વનિનો સંચાર થયો હતો. ભગવાન શિવે નૃત્ય કરતી વખતે 14 વખત ડમરૂ વગાડ્યું હતું જે બાદ ધ્વનિ, તાલ અને નાદની ઉત્પત્તિ થઈ હતી.
ભોળાનાથના વાહન છે નંદી
ભગવાન શંકર નંદીની સવારી કરે છે. પૌરાણીક કથા અનુસાર ભગવાન શિવે નંદીના રૂપમાં અવતાર લીધો હતો. એક અમર પુત્રની પ્રાપ્તિ થાય તે માટે ઋષિ શિલાદે કઠોર તપ કર્યું હતું. વરદાન સ્વરૂપે તેમને અમર પૂત્રની પ્રાપ્તિ થઈ જેને નંદી તરીકે ઓળખવામાં આવે છે. તે બાદ નંદીની કઠોર તપસ્યા કરી. ત્યારે પ્રસન્ન થઈને ભગવાન શિવે નંદીને પોતાનું વાહન બનાવ્યા.
શા માટે શંકર ભગવાનને કરવામાં આવે છે ત્રિપુંડ?
શિવજીને ભસ્મ અર્પણ કરવામાં આવે છે. ભસ્મ આ સૃષ્ટિનો સાર છે. જીવન જ્યારે પૂર્ણ થાય છે ત્યારે રાખ જ વધે છે. આ રાખ શિવજી ધારણ કરે છે. આ રાખમાંથી ભગવાન શંકર ત્રિપુંડ કરે છે. એવું માનવામાં આવે છે કે આ ત્રિપુંડ ત્રણેય વિશ્વનું પ્રતીક છે. તેને રજ, તમ અને સત્વ ગુણનું પ્રતિક માનવામાં આવે છે.
ગંગાને પોતાની ઘટામાં કરી હતી ધારણ
શિવજીને ગંગાધર પણ કહેવામાં આવે છે. શિવજીએ પોતાની જટામાં ગંગાને ધારણ કરી છે. આની પાછળ પૌરાણીક કથાએ છે કે રાજાભગીરથ પોતાના પૂર્વજોની મુક્તિ માટે ગંગા નદીને ધરતી પર લાવવા ઈચ્છતા હતા અને તેમણે તપ કર્યું હતું. જો ગંગાજી સીધા ધરતી પર આવે તો તેઓ પાતાળમાં જતા રહે. ત્યારે ગંગાજીને ધારણ કરવાની સમક્ષતા માત્ર શિવજી પાસે હતી. જેને લઈ શિવજીએ પહેલા ગંગાજીને પોતાની જટામાં ધારણ કરી. અને તે બાદ ગંગાજીનું ધરતી પર આગમન થયું. ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કર્યા જેને કારણે તેઓ ગંગાધર કહેવાયા.
*અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતા પર આધારીત છે.*