ભરૂચનું રાજકારણ હંમેશા ચર્ચામાં રહે છે. વસાવા Vs વસાવા વચ્ચેનો જંગ અનેક વખત જોવા મળતો હોય છે. ચૈતર વસાવા વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી જે બાદ તેઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે. ચૈતર વસાવાને લઈ મનસુખ વસાવાએ અનેક વખત નિવેદન આપ્યા છે. ચૈતર વસાવાના સમર્થનમાં આપના અનેક નેતાઓ આવ્યા છે. એવી ચર્ચાઓ ચાલતી હતી કે ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે, પરંતુ આ અંગેની જાહેરાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે ભરૂચ લોકસભાના એક એક ગામમાં જઈને ચૈતર વસાવાને લોકસભા ચૂંટણી જીતાડવા માટે મહેનત કરવાની શરૂઆત કરવામાં આવશે.
ચૈતર વસાવા અંગે ગોપાલ ઈટાલિયાએ કહી આ વાત
આવનાર સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈ તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા પણ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવશે. ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડશે તેવી જાહેરાત ગોપાલ ઈટાલિયા દ્વારા કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે સર્વનું માનવું છે કે માત્ર પોલીસ અને કોર્ટ કચેરીથી ન્યાયના ભરોષે બેસી રહેવાય તેમ નથી. માટે ચૈતર વસાવાને સાંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવીશું તેવો સંકલ્પ કરવામાં આવ્યો છે.
ચૈતર વસાવાને સાંસદ બનાવા કરાઈ જાહેરાત!
વધુમાં ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા પર ખૂબ જ અત્યાચાર કરવામાં આવી રહ્યા છે. જેના વિરૂદ્ધમાં આમ આદમી પાર્ટીએ આ અત્યાચારના જવાબમાં એ નિર્ણય લીધો છે કે આવનારી લોકસભા ચૂંટણીમાં ચૈતર વસાવાને સંસદ સભ્ય બનાવીને ન્યાય મેળવવામાં આવશે.