આમ આદમી પાર્ટી ચૂંટણીને લઈ એકદમ એક્શન મોડમાં દેખાઈ રહી છે. ચૂંટણીની ગંભીરતા સમજી આમ આદમી પાર્ટીએ અનેક ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના 6 લિસ્ટ જાહેર કરી દીધા છે. ત્યારે સોશિયલ મીડિયા પર આપના જૂનાગઢના ઉમેદવાર ચેતન ગજેરાની જૂની ટ્વિટ વાયરલ થઈ રહી છે. આની પહેલા ગોપાલ ઈટાલિયાના અનેક જૂના વીડિયો વાયરલ થયા હતા. ત્યારે આ ટ્વિટ વાયરલ થતા રાજકારણ ફરી ગરમાયું છે.
ચેતન ગજેરાની જૂની ટ્વિટ થઈ વાયરલ
ગુજરાતની રાજનીતિમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમજ ભાજપની વચ્ચે આ વખતે જંગ જામવાનો છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસે હજી સુધી પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા ત્યારે આમ આદમી પાર્ટીએ તબક્કાવાર પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોના નામ જાહેરાત થતાં જ જૂનાગઢથી આપના ઉમેદવાર ચેતન ગજેરાની જૂની ટ્વિટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
ચેતન ગજેરાની આ ટ્વિટ 2016ની છે. આ ટ્વિટ ત્યારે કરવામાં આવી હતી જ્યારે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. ભાજપના યુવા પદ તરીકેનો કાર્યભાર છોડી તે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. પોતાની ટ્વિટમાં તેમણે લખ્યું હતું કે દેવરાજ ઈન્દ્ર કા સિંહાસન પહેલા રાક્ષસોની તપસ્યાને કારણે ડોલતું હતું જ્યારે આજ કાલ અરવિંદ કેજરીવાલ કે મોદી જાપને કારણે હલી રહ્યું છે. તેમની બીજી એક ટ્વિટ પણ વાયરલ થઈ હતી જેમાં તેમણે લખ્યું છે કે ઐસા કોઈ સગા નહીં, જિસકો હમને ઠગા નહીં, નામ તો સુના હી હોગા...કેજરીવાલ.
આ પહેલા ઈટાલિયાના વીડિયો પણ થયો છે વાયરલ
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ જૂના ફોટા, વીડિયો તેમજ ટ્વિટ સામે આવી રહ્યા છે. આ ટ્વિટ વાયરલ થયું તે પહેલા ગોપાલ ઈટાલિયાના જૂના વીડિયો એકાએક સોશિયલ મીડિયમાં વાયરલ થયા હતા. પોતાના વીડિયોમાં તેમણે વડાપ્રધાન મોદી તેમજ તેમની માતા વિષે અપમાન જનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. ત્યારે આ ટ્વિટને કારણે રાજકારણ ગરમાયું હતું ત્યારે આ ટ્વિટથી રાજનીતિમાં શું ઉથલપાથલ થવાની છે તે આવનારો સમય બતાવશે.