રખડતા પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. અનેક લોકો રખડતા પશુઓની અડફેટે આવતા મોતને ભેટતા હોય છે. અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે જેમાં રખડતા પશુઓએ નિર્દોષ લોકોને પોતાના લપેટામાં લઈ લીધા હોય છે. ત્યારે વડોદરામાં ગઈ કાલે રખડતા પશુએ એક વૃદ્ધ મહિલાને પોતાની અડફેટે લઈ લીધી હતી. મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને ઘટનાસ્થળ પર જ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું, જેને કારણે સ્થાનિકોમાં રોષની લાગણી વ્યાપી ઉઠી છે. ઘટના અંગે વૃદ્ધાના પુત્રએ પોલીસ ફરિયાદ કરી હતી જે બાદ પોલીસે મનુષ્ય વધનો ગુન્હો નોંધી પશુપાલકની ધરપકડ કરી છે.
ટકોર બાદ પણ નથી કરાઈ કડક કાર્યવાહી
રખડતા પશુઓનો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. રસ્તા પર ચાલતા લોકો તેમજ વાહનચાલકો રખડતા પશુઓનો શિકાર બની રહ્યા છે. હાઈકોર્ટ દ્વારા આ વાતને લઈ સરકારને ટકોર કરી હતી અને આ અંગે પગલા લેવામાં આવે તેવી વાત કહેવામાં આવી. પરંતુ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. રખડતા ગાય તેમજ રખડતા શ્વાનને કારણે લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે.
પશુપાલકની પોલીસે કરી ધરપકડ
ત્યારે વડોદરામાં રખડતા પશુને કારણે એક વૃદ્ધાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પંચરત્ન સોસોયટી પાસે આ ઘટના બની હતી જ્યાં ગાયોના ટોળાએ વૃદ્ધાને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. ગંભીર રીતે વૃદ્ધા ઘાયલ થઈ હતી. અને ત્યાં જ મહિલા મોતને ભેટી હતી. વૃદ્ધાનું મોત થતા પરિવારમાં શોકની સાથે સાથે રોષની લાગણી પણ વ્યાપી ઉઠી હતી. મહિલાના પુત્રએ આ ઘટના અંગે પોલીસ ફરિયાદ પણ કરી હતી. પોલીસે મનુષ્ય વધનો ગુન્હો નોંધી પશુપાલકની ધરપકડ કરી છે. આ સિવાય અનેક એવા કિસ્સાઓ છે જેમાં રખડતાં પશુના હુમલાને કારણે લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.