કર્ણાટક સરકારના ટ્રાન્સપોર્ટ વિભાગે ઓલા (Ola),ઉબેર (Uber) અને રેપિડો (Rapido)ને એક નોટિસ ફટકારીને તેમની ઓટો સર્વિસને ગેરકાયદે જાહેર કરી છે. ટ્રાન્સપોર્ટ વિભાગે આ કંપનીઓને ત્રણ દિવસમાં તેમની ઓટો સર્વિસ બંધ કરવાનું કહ્યું છે. તે સાથે જ કેબ સર્વિસ એગ્રીગેટર્સને એક રિપોર્ટ રજૂ કરવા માટે માટે કહ્યું છે.
શા માટે સરકારે લીધો આ કડક નિર્ણય?
અનેક મુસાફરોએ ટ્રાન્સપોર્ટ વિભાગને આ બાબતની ફરિયાદ કરી હતી કે ઓલા (Ola), ઉબેર (Uber) બે કિલોમીટરથી ઓછા અંતર માટે પણ ઓછામાં ઓછા 100 રૂપિયા ચાર્જ કરે છે. બીજી તરફ બેંગલુરૂમાં બે કિમી સુધીની મુસાફરીના ઓછામાં ઓછા 30 રૂપિયા ભાડું નક્કી છે. અને ત્યાર બાદ કિલોમીટર દીઠ 15 રૂપિયા ચાર્જ આપવાનો હોય છે.
સરકાર કાયદેસરની કાર્યવાહી કરી શકે છે
ટ્રાન્સપોર્ટ વિભાગની નોટિસ અનુસાર, કેબ એગ્રીગેટર કંપનીઓએ વહેલી તકે તેમની ઓટો સેવાઓ બંધ કરવી પડશે. આ સાથે જ આ કંપનીઓને કહેવામાં આવ્યું છે કે તેઓ ટેક્સીમાં મુસાફરી કરતા લોકો પાસેથી સરકાર દ્વારા આપવામાં આવેલા ભાડાથી વધુ ભાડું ન વસૂલે. ટ્રાન્સપોર્ટ વિભાગે એમ પણ કહ્યું છે કે જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.