કેન્દ્ર સરકારે હવે ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોને પ્રોત્સાહન આપવું જોઈએ તેવી સલાહ ઓઈલ મિનિસ્ટ્રીની એક પેનલે આપી છે. પેનલે રજુ કરેલા તેના રિપોર્ટમાં કહ્યું છે કે વર્ષ 2027 સુધી 10 લાખથી વધુ વાહનોવાળા શહેરોમાં ડીઝલથી ચાલનારા ફોર વ્હીલર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવે. તે ઉપરાંત રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 10 વર્ષમાં શહેરી વિસ્તારોમાં ડીઝલ બસનો ઉપયોગ બંધ કરી દેવામાં આવે.
ડીઝલની વધતી માગ ચિંતાજનક
પેનલે તેના રિપોર્ટમાં ડીઝલની વધતી માગને લઈ ચિંતા વ્યક્ત કરી છે. આ સ્થિતિમાં પેનલે સુચન કર્યુ છે કે જો અત્યારથી જ ઈલેક્ટ્રિક અને ગેસથી ચાલનારા વાહનોનો ઉપયોગ વધારીશું નહીં તો ભવિષ્યમાં પરિસ્થિતિ બેકાબુ બની શકે છે. પૂર્વ ઓઈલ સેક્રેટરી તરૂણ કપૂરની અધ્યક્ષતામાં પેનલે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ઈન્ટરનલ કન્ઝપ્શન એન્જિનવાળી મોટર સાઈકલ, સ્કૂટર અને થ્રી વ્હીલરને વર્ષ 2035 સુધી તબક્કાવાર રીતે હટાવી દેવાની સુચના આપી છે.
2040 સુધીમાં ડીઝલની માંગ ટોચ પર હશે
પેનલે આવતા વર્ષથી માત્ર ઈલેક્ટ્રીક વાહનો માટે નવા રજીસ્ટ્રેશનની તરફેણ કરી છે અને કાર્ગોની અવરજવર માટે રેલ્વે અને ગેસથી ચાલતા ટ્રકનો વધુ ઉપયોગ કરવાનું સૂચન કર્યું હતું. રિપોર્ટ અનુસાર 2040 સુધીમાં દેશમાં ડીઝલની માંગ તેની ટોચે પહોંચી જશે. આવી સ્થિતિમાં જો ઇલેક્ટ્રિક અને ગેસથી ચાલતા વાહનો પર સ્વિચ કરવાનું શરૂ કરવામાં આવે તો આ માંગમાં ઘટાડો થવાની આશા છે.