ઉનાળાની કાળઝાળ ગરમીના કારણે લોકોની હાલત કફોડી બની છે. આકાસમાંથી વરસતી ગરમી અને લૂના કારણે શાળાઓ અને બાલમંદિરોમાં ભણતા ભૂલકાઓના આરોગ્ય પર પણ ખરાબ અસર પડી રહી છે. આ જ કારણે ઓડિસા સરકારે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવાના આદેશ આપ્યા છે.
સરકારે આપ્યો આદેશ
ઓડિશામાં વધતી ગરમીને કારણે શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો બંધ કરી દેવામાં આવ્યા છે. ઓડિશા સરકારે નવો આદેશ જાહેર કર્યો છે કે રાજ્યની તમામ શાળાઓ, પછી ભલે તે ખાનગી હોય કે સરકારી, 16મી એપ્રિલ, 2023 સુધી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે બંધ રહેશે. નવા આદેશમાં રાજ્ય સરકારે કહ્યું છે કે આજથી તમામ આંગણવાડી કેન્દ્રો પણ બંધ રહેશે. રાજ્યમાં હિટ વેવની સ્થિતીના કારણે ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ માટે શાળાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાહેર કરવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, વર્ગો સવારે 7 થી 11:30 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યા હતા.
CM પટનાયકે યોજી સમીક્ષા બેઠક
ઉનાળાની ગરમીને લઈ ઓડિસાના મુખ્યમંત્રી નવીન પટનાયકે વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વર્તમાન લૂની સ્થિતી અને તેનાથી થતી આરોગ્ય પર અસર અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. આ સમીક્ષા બેઠક બાદ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો 12થી 16 એપ્રીલ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તે ઉપરાંત ધોરણ 11 અને 12 અને કોલેજોના વર્ગોના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવાની અને કોવિડની સ્થિતી પર નજર રાખવાની પણ તેમણે અધિકારીઓને સુચના આપી હતી.