28 ઓક્ટોબરના રોજ શરદ પૂર્ણિમા છે. શરદ પૂર્ણિમાના દિવસે આપણે ત્યાં દૂધ પૌઆ ખાવાની પરંપરા છે. પૂનમને લઈ મંદિરોમાં પણ ભીડ જોવા મળતી હોય છે. ત્યારે આ વખતે શરદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં દેખાવાનું છે. ભારતમાં જ્યારે ગ્રહણ દેખાય છે ત્યારે ગ્રહણના નીતિ નિયમો પાળવા પડતા હોય છે. ગ્રહણને કારણે મંદિરોના સમયને બદલવામાં આવ્યો છે. ગુજરાતના વિવિધ ધાર્મિક સ્થોનાના સમયમાં ફેરફાર કરાયો છે. સોમનાથ મંદિર, દ્વારકા મંદિર, પાવાગઢ મંદિર સહિતના મંદિરોના દ્વાર નિર્ધારિત સમય પહેલા ગ્રહણ હોવાને કારણે બંધ થઈ જશે.
28 ઓક્ટોબરે થશે ચંદ્રગ્રહણ
વર્ષનું છેલ્લું ગ્રહણ 28 ઓક્ટોબરે થવાનું છે. શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ થાય છે જ્યારે અમાસના દિવસે સૂર્ય ગ્રહણ થાય છે. ત્યારે આ વખતે ચંદ્રગ્રહણ થવાનું છે અને આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાવાનું છે જેને કારણે શાસ્ત્ર પ્રમાણે મંદિરોના દ્વારા ગ્રહણના સમયે બંધ કરવામાં આવશે. ગ્રહણ હોવાને કારણે મંદિરના સમયમાં ફેરફાર કરાયો છે. મહત્વનું છે કે ગ્રહણ દરમિયાન પૂજા પાઠ કરવાથી અનેક ઘણું પુણ્ય મળે છે.
આ સમય દરમિયાન દ્વારકા મંદિરના દ્વાર રહેશે બંધ
દ્વારકા મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. 28 ના શનિવારે ચંદ્રગ્રહણ હોવાથી દ્વારકાધીશના મંદિરમાં સવારે 05 વાગ્યે મંગલા આરતી થશે. અનોસર સવારે 11 કલાકે તેમજ 11 થી બપોરે 12 સુધી મંદિર બંધ રહેશે અને ઉત્થાપન દર્શન બપોરે 12 કલાકે થશે જ્યારે શયન બપોરે 3 વાગ્યે થશે. આમ શરદ પૂર્ણિમાના દિવસે બપોરે 3 કલાકે મંદિર બંધ થશે ત્યારબાદ રવિવારે તા.29 ના રોજ રાબેતા મુજબ મંદિર ખુલશે તેમ દ્વારકાધીશ મંદિરના વહીવટદ્વારા જણાવાયું છે.
પાવાગઢ મંદિરના સમયમાં પણ કરાયો ફેરફાર
પાવાગઢ મંદિરના દ્વાર પણ ગ્રહણ હોવાને કારણે ભક્તો માટે બંધ રહેશે. પાવાગઢ મંદિર 28 ઓક્ટોબરે બપોરના 2.30 વાગ્યા બાદ સંપૂર્ણ રીતે ભક્તો માટે બંધ રહેશે. મંદિરના દ્વાર 29 ઓક્ટોબરના રોજ સવારે નિયમિત સમયે ખોલવામાં આવશે. તે ઉપરાંત સોમનાથ મંદિર સહિતના મંદિરોના ટાઈમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.