ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ભાજપ, કોંગ્રેસના નેતાઓ ટિકિટની રાહે બેઠા છે. આમ આદમી પાર્ટીએ વિધાનસભા ચૂંટણીના પોતાના ઉમેદવાર 41 સભ્યોની ચાર લિસ્ટ જાહેર કરી દીધી છે. ત્યારે ભાજપના નેતા અને OBC અગ્રણી અલ્પેશ ઠાકોરે ચૂંટણી લડવા માટે જીદ પકડીને બેઠા છે. પરંતુ રાધનપુરના સ્થાનિક નેતાઓ માગણી કરીને બેઠા છે કે તેમને સ્થાનિક નેતા જ જોઈએ છે. તેમને કોઈ બહારનો નેતા નથી જોયતો.
અલ્પેશભાઈને પૈણું-પૈણું થાય છે
અલ્પેશ ઠાકોરને કહેવામાં આવે છે કે તેમને પૈણું પૈણું થાય છે. તેમનું કહેવું છે કે વરરાજો લગ્ન માટે તૈયાર છે. બસ જાન કાઢવાની બાકી છે. ત્યારે ટૂંક સમય પહેલા સીઆર પાટીલે પણ અલ્પેશ ઠાકોરને ચૂંટણી લડવા બાબતે નિવેદન આપ્યું હતું કે અલ્પેશભાઈ અમારા વરિષ્ઠ નેતા છે અને આજ વખતે તેમનો ચૂંટણી લડવાનું નક્કી છે.
અલ્પેશભાઈ તૈયાર પણ જાનૈયા નથી
સમી તાલુકાના રાણાવાડા ગામે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય નાગજી ઠાકોર અને લવિંગજી ઠાકોરની આગેવાનીમાં સંમેલન યોજવામાં આવ્યું હતું. તેમની માગણી છે કે બહારના કોઈ વ્યક્તિને ટિકિટ ના આપવામાં આવે અને સ્થાનિકને જ ધારાસભ્ય બનાવવામાં આવે. તેમણે 'જીતશે સ્થાનિક, હારશે બહારનો' સૂત્ર હેઠળ સંમેલન યોજ્યું હતું. આ સંમેલનમાં ભાવસિંહજી રાઠોડના પુત્રી નીરુ રાઠોડ, પાટણ જિ. પં.ના બાબુજી ઠાકોર, રાધનપુર તાલુકાના પૂર્વ પ્રમુખ રામા આહીર સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
રાધનપુર વિધાનસભા ચૂંટણીમાં ટિકિટની માગ માટે ભાજપના જ નેતાઓએ ગણગણાટ શરૂ કર્યો છે. રાધનપુર બેઠકમાં ભાજપના નેતાઓ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય બનાવવાની સામે આવતા અલ્પેશ ઠાકોરની તકલીફો વધશે તેવી સંભાવના છે.