ગુજરાત હાઈકોર્ટ વિવિધ મુદ્દે રાજ્ય સરકારને ફટકાર લગાવતી રહે છે. રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે આજે સરકારની ઝાટકણી કાઢી છે. રાજ્યમાં કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂકની માગ સાથે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજી પર હાઈકોર્ટમાં આજે સુનાવણી યોજાઈ હતી.જેમાં હાઈકોર્ટે સરકારને પૂછ્યું હતું કે શા માટે કાયમી OBC કમિશનની સ્થાપના થઈ નથી?
સરકાર 2 માર્ચ સુધીમાં જવાબ આપે
ગુજરાત હાઈકોર્ટે સરકારને ટકોર પણ કરી કે નિવૃત જજની નિમણૂકએ કમિશનની રચના ન ગણાય. OBC કમિશનની સ્થાપના મુદ્દે સરકાર મજબુત પગલા લે તેવી પણ કોર્ટે તાકીદ કરી છે. હાઈકોર્ટે 2 માર્ચ સુધીમાં સરકારને કોર્ટમાં જવાબ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
અરજદારે શું રજૂઆત કરી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી કાયમી ધોરણે OBC કમિશન નથી. એક અરજદારે કાયમી ધોરણે OBC કમિશનની નિમણૂક કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજદારે રજૂઆત કરી છે કે સરકાર પરિપત્ર મુજબ કમિશનના વડાની નિમણૂક કરે તે યોગ્ય નથી.
આર.પી.ધોલરિયાની વરણી
ગુજરાત સરકારે રાજ્યના પછાત અન્ય વર્ગો OBC માટેના કાયમી કમિશનના ચેરમેન તરીકે ગુજરાત હાઇકોર્ટમાંથી નિવૃત થયેલા ન્યાયાધીશ આ.પી ધોલરિયાની નિમણૂક કરી હતી. OBC કમિશનમાં લાંબો સમય ચેરપર્સન તરીકે જવાબદારી અદા કરનારા જસ્ટિસ સુજ્ઞાબેન ભટ્ટના અવસાનને એક વર્ષ પૂર્ણ થાય તે પહેલા સરકારે આ નિયુક્તિ કરી હતી.