વિરોધના અનેક દ્રશ્યો તમે જોયા હશે. કોઈ હાથમાં પોસ્ટર લઈને તો કોઈ સૂત્રોચ્ચારો કરી પોતાનો વિરોધ પ્રગટ કરે છે. ત્યારે કચ્છ યુનિવર્સિટીમાં એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો.એડમિશન માટે કાર્યકર્તાઓ ગધેડાને લઈ પહોંચ્યા હતા. વિદ્યાર્થીઓ ગધેડા સાથે કુલપતિની ચેમ્બરમાં પહોંચ્યા હતા અને ગધેડાને એડમિશન કરવામાં આવે તેવી માગ કરી હતી. એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ વર્ષોથી અટવાયેલા પ્રશ્નો તેમજ પકડતર પ્રશ્નોને લઈ વિરોધ દર્શાવ્યો હતો. પીએચડીના એડમિશન અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
કયા મુદ્દાનો કાર્યકરોએ કર્યો વિરોધ?
કચ્છ યુનિવર્સીટીમાં વિવિધ પ્રશ્નો મામલે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓના વિવિધ મુદ્દા લઈને કાર્યકર્તાઓએ અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો. અનોખો એટલા માટે કારણ કે યુનિવર્સિટીમાં એડમિશન કરાવવા માટે ગધેડાને લઈ આવ્યા હતા. એનએસયુઆઈના કાર્યકરો ગધેડાને લઈને યુનિવર્સીટી પહોચ્યા હતા અને ગધેડાને એડમિશન આપો તેવી માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો તમને જણાવી દઈએ કે કચ્છ યુનિવર્સિટીમાં છેલ્લા ત્રણ વર્ષથી પીએચડીનું એડમિશન આપવામાં આવતું નથી સાથે જ યુનિવર્સીટીમાં કાયમી કુલપતિ , કાયમી સ્ટાફ જેવા મુદ્દે કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો.
આ ઘટનાને લઈ શું કહ્યું ઈન્ચાર્જ કુલપતિએ?
આ મામલે કચ્છ યુનિવર્સીટીના ઇન્ચાર્જ કુલપતિનું કહેવું છે કે વહેલી તકે વિદ્યાર્થીઓને પીએચડી વિષયમાં એડમિશન મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે . હાલ એનએસયુઆઇ યુનિવર્સીટીના પ્રશ્નોને લઈને લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યા છે આગામી દિવસોમાં કચ્છ યુનિવર્સીટી વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવેતો યુનિવર્સીટીને તાળા બંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે .